
બોટાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાંતરે સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે આજે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં એસ.ટી. બસ સ્ટેન્ડના કર્મચારીઓ તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વચ્છતા અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ પરિસરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડમાં મુસાફરોની અવરજવર વધુ રહેતી હોવાથી અહીં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ગ્રુપના સભ્યો અને એસ.ટી. કર્મચારીઓએ સાથે મળીને કચરો એકત્ર કરી પરિસરને સ્વચ્છ બનાવ્યો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર એક દિવસ સફાઈ કરવાનો નહીં, પરંતુ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને પણ કચરો જાહેર સ્થળે ન નાખવા, કચરાપેટીનો ઉપયોગ કરવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘર અને આસપાસના વિસ્તારની સાથે જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વીકારે તો શહેરને વધુ સુંદર અને સ્વચ્છ બનાવી શકાય.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદની આ પહેલને સ્થાનિક સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતી પ્રશંસનીય કામગીરી તરીકે જોવામાં આવી રહી છે. ‘સ્વચ્છ બોટાદ, સુંદર બોટાદ’ના સંકલ્પ સાથે આયોજિત આ અભિયાનથી સ્વચ્છતા જાળવવાનો સકારાત્મક સંદેશ લોકો સુધી પહોંચ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA