

બોટાદ/અમદાવાદ,24 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના ઠેર ઠેર મહાદેવોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અગિયારસના શુભ અવસરે બાવળાના 'સિદ્ધેશ્વર મહાદેવ ડમરુ ગ્રુપ' દ્વારા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર પરિસરમાં ભવ્ય ડમરુ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીથી સમગ્ર મંદિર પરિસરમાં ઉજ્જૈન જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ, યુવાનોએ ડમરુ, શંખ, ઝાંઝ અને પખાવાજ જેવા પરંપરાગત વાજિંત્રોના દિવ્ય નાદ સાથે ડમરુ આરતી કરી હતી. આ દિવ્ય ધ્વનિથી વાતાવરણ શિવમય બની ગયું હતું.
હાલમાં આ ગ્રુપ સાથે લગભગ 100 જેટલા ઉત્સાહી યુવાનો જોડાયેલા છે. બાવળા ગામ ઉપરાંત અમદાવાદ જિલ્લો, અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શિવરાત્રી, શ્રાવણ માસ, ગણેશોત્સવ કે અન્ય ધાર્મિક મહોત્સવોમાં આમંત્રણ મળતાં જ આ યુવા ટીમ ઉત્સાહભેર સેવા આપે છે.
સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન-પૂજન બાદ, ગ્રુપના યુવાનો કુંડળધામ અને ભીમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ ધંધુકાના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર અને લોલીયા ગામના શિવાલયમાં પણ શાસ્ત્રોક્ત વિધિ અને વાજિંત્રોના તાલે ડમરુ આરતી કરી શિવભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો હતો.
આ ધાર્મિક યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
ઉજ્જૈન મહાકાલની આરતીની પદ્ધતિથી પ્રેરિત થઈને, બાવળાના યુવાનોને સનાતન ધર્મ અને ભક્તિભાવ સાથે જોડવાના શુભ આશયથી આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે. સિદ્ધેશ્વર મહાદેવ ડમરુ ગ્રુપ' આધુનિક યુગમાં યુવાપેઢીને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડવા માટે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ