

સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.)
પવિત્ર શ્રાવણ માસની પુત્રદા એકાદશીના પાવન પર્વે સોમનાથ મહાદેવને હરિ અને હર બંનેના એકસાથે દર્શન થાય તેવો વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવ્યો હતો. જે પાવન ભૂમિ પરથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં નિજધામ પ્રસ્થાન કર્યું હતું અને જ્યાં દેવાધિદેવ મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે, તેવા હરિહર ક્ષેત્ર પ્રભાસ તીર્થ ખાતે શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આ વિશેષ શૃંગાર યોજાયો હતો.
જ્યોતિર્લિંગ પર ચંદનના લેપ વડે સોમનાથ મહાદેવ ધ્યાનમુદ્રામાં દર્શાયા હતા તેમજ હૃદયના ભાગે ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે શ્રીકૃષ્ણનું મનોહર સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું હતું. આ અલૌકિક હરિહર દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર અને ધન્ય બન્યા હતા.
આ શૃંગાર દ્વારા સ્કંદ પુરાણનો પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોક ચરિતાર્થ થયો હતો:
शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे।
शिवस्य हृदयं विष्णुर्विष्णोश्च हृदयं शिवः॥
જેનો અર્થ એ છે કે હરિ (વિષ્ણુ) અને હર (શિવ) વચ્ચે રંચમાત્ર પણ ભેદ નથી; બંને એક જ પરમ શક્તિના સ્વરૂપ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ