
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય ખેલ દિવસ 2026 ના અવસરે 27 ઓગસ્ટના રોજ એક વ્યાપક યુવા સહભાગિતા પહેલ ‘ખેલો ઇન્ડિયા ડાયલોગ - ખેલની વાત, વડાપ્રધાન મોદી સાથે’ નું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ હશે અને તેમના સંબોધન પછી તમામ ભાગ લેનારા સ્થળોએ એકસાથે કાર્યક્રમો શરૂ થશે.
રમતગમત મંત્રાલય અનુસાર, કાર્યક્રમ હેઠળ દેશભરમાં 1500 થી વધુ સ્થળોએ યુવાનો, ખેલાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એકસાથે જોડાશે. આ રાષ્ટ્રવ્યાપી પહેલ યુવા ખેલાડીઓને પોતાના વિચારો, સૂચનો અને વિચારસરણી શેર કરવા માટેનું સીધું મંચ પૂરું પાડશે. કાર્યક્રમમાં આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઈટી, એઆઇઆઇએમએસ, મુખ્ય મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ ભાગ લેશે.
આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતોમાં રસ ધરાવતા યુવાનો અને દેશના અગ્રણી ખેલાડીઓ તેમજ પદક વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. દીપા કર્માકર, સાયના નેહવાલ, ગગન નારંગ, શ્રીજેશ, મેરી કોમ, બાઈચુંગ ભુટિયા, ગોપીચંદ, અંજુ બોબી જ્યોર્જ, કર્ણમ મલ્લેશ્વરી, મીરાબાઈ ચાનુ અને પી.ટી. ઉષા જેવા મુખ્ય ખેલાડીઓ, તેમજ જાણીતા ક્રિકેટરો, યુવાનો સાથે જોડાશે અને પોતાની રમતગમતની સફર, પડકારો અને અનુભવો શેર કરશે.
આ પહેલમાં સાંસદો, વિધાનસભા સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને રાજ્યના રમતગમત મંત્રીઓ પણ યુવાનો સાથે જોડાશે અને ચાર નિર્ધારિત વિષયો પર તેમના વિચારો અને સૂચનો મેળવશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ