


વડોદરા, 24 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના અકોટાથી મૂજમહુડા જવાના માર્ગ પર આજે ફરી એકવાર ભૂવો પડતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. પ્રથમ નજરે ભૂવો નાનો જણાતો હતો, પરંતુ તપાસ દરમિયાન અંદરથી તેનો વ્યાપ વધુ હોવાનું સામે આવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો. તે સમયે કોર્પોરેશન દ્વારા ભૂવો પુરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરાતા ફરીથી એ જ સ્થળે ભૂવો પડ્યો હોવાનું લોકોનું કહેવું છે.
ઘટનાની જાણ થતાં કોંગ્રેસના વોર્ડ નં. 12ના પ્રમુખ રાકેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે માર્ગના સમારકામમાં ગુણવત્તાનો અભાવ હોવાથી વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે પેચવર્ક અને સમારકામની કામગીરી યોગ્ય ધોરણો મુજબ કરવામાં ન આવતાં શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ છે.
સ્થાનિક રહીશોએ પણ તંત્ર પાસે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. હાલ કોર્પોરેશન દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ