
- ફ્લેટના પાર્કિંગને દારુ કટિંગનો અડ્ડો બનાવ્યો
- 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે
વડોદરા, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતમાં દારૂબંધી અત્યારે તો ખાલી કહેવાતી દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. હજી હમણાં જ ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના જીવ ગયા છે અને 3 લોકોની સારવાર ચાલી રહી છે. ત્યારે વડોદરામાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી 16 હજાર દારૂની બોટલ ઝડપી પાડી. જો કે, આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટમાં ઈંગ્લીશ દારુના ચાલી રહેલા કટિંગ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો. ઘટનાસ્થળ પરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 16,394 દારૂની બોટલ મળી આવી. આ ઉપરાંત બોલેરો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિત 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
લાખોના દારૂ કેસમાં નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવ્યું છે.
આ ઉપરાંત ચાર વાહનોના માલિક, દારૂ મોકલનાર અને કટિંગ સમયે સ્થળ પરથી નાસી ગયેલા અજાણ્યા શખસોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ