
ચેન્નઈ, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) તમિલનાડુમાં પાત્ર પરિવારોને વર્ષમાં ત્રણ મફત રસોઈ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની યોજના આગામી 2027માં પોંગલ પર્વથી લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયે સોમવારે વિધાનસભામાં તેની જાહેરાત કરી. યોજના હેઠળ પાત્ર ગૃહિણીઓને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડરનો લાભ મળશે.
તમિલનાડુ વિધાનસભામાં અનુદાનની માંગણીઓ પર ચર્ચા 17 ઓગસ્ટથી ચાલુ છે. બે દિવસના અવકાશ પછી સોમવારે સવારે 9.30 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ દરમિયાન મુખ્યમંત્રી વિજયે વિધાનસભાના નિયમ 110 હેઠળ મફત રસોઈ ગેસ સિલિન્ડર યોજનાની જાહેરાત કરી.
સરકારે આ યોજનાને ‘અન્નપૂર્ણી સુપર 6’ હેઠળ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે દર વર્ષે આશરે 4,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. સરકારના મતે, યોજનાથી રાજ્યના 1 કરોડ 38 લાખ 16 હજાર 104 પરિવારોને લાભ થશે.
યોજનાના દાયરામાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા આર્થિક રીતે પછાત પરિવારો ઉપરાંત નાના અને સીમાંત ખેડૂત પરિવારો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના પરિવારોને પણ સામેલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયે જણાવ્યું કે, લાભાર્થીઓએ પહેલા નિર્ધારિત પ્રક્રિયા હેઠળ ગેસ સિલિન્ડર બુક કરાવવું પડશે અને તેને મેળવવું પડશે. ત્યારબાદ તેલ કંપનીઓ પાસેથી લાભાર્થીઓની યાદી મેળવવામાં આવશે અને સંબંધિત સિલિન્ડરની કિંમત સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, યોજનાને લાગુ કરવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારના મતે, આ પહેલથી આર્થિક રીતે નબળા પરિવારો પર રસોઈ ગેસના વધતા ખર્ચનો બોજ ઓછો કરવામાં મદદ મળશે.
નોંધનીય છે કે, મફત રસોઈ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવું તમિલગા વેત્રિ કડગમ (ટીવીકે)ના મુખ્ય ચૂંટણી વચનોમાં સામેલ હતું. વિધાનસભામાં મુખ્યમંત્રીની જાહેરાત પછી પક્ષના સમર્થકો અને સંભવિત લાભાર્થી પરિવારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ