



વડોદરા, 24 ઓગસ્ટ (હિ.સ.) : સંસ્કારી નગરી વડોદરાની શિક્ષણ પરંપરામાં વધુ એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે બી.એ.પી.એસ. સંસ્થા સંચાલિત પ્રમુખ એકેડેમી, અટલાદરા દ્વારા કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ના અમલીકરણ અને સર્વાંગી શિક્ષણ વિકાસના ઉદ્દેશ સાથે શહેરનો પ્રથમ 'શાળાથી વિશ્વવિદ્યાલય મહાસંગમ' યોજાયો હતો.
અટલાદરા સ્થિત યજ્ઞપુરુષ સભાગૃહ ખાતે યોજાયેલા આ મહાસંગમમાં શાળાઓ અને વિશ્વવિદ્યાલયોના સંચાલકો, વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ શિક્ષણવિદો એક મંચ પર આવ્યા હતા. સર્વાંગી શિક્ષણ માટે એકજૂથ – વિકસિત ભારત માટે કટિબદ્ધના વિચાર સાથે યોજાયેલા આ મહામંથનમાં શિક્ષણ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રેરણાત્મક વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષા અંજનાબેન ઠક્કર સહિત અનેક શિક્ષણવિદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાનોના પ્રેરણાદાયી સંબોધન ઉપરાંત પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીએ પોતાની સફળતાની સફર અને અનુભવો શેર કરી ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
પ્રમુખ એકેડેમીના સંચાલક સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામીએ સંસ્થાએ છેલ્લા ચાર વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓ અને નવી પહેલોની માહિતી આપી હતી.
આ મહાસંગમમાં શહેર અને જિલ્લાના 500થી વધુ શિક્ષણવિદો, વિવિધ યુનિવર્સિટીઓના ચાન્સેલર, ડીન, શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને શિક્ષણ ક્ષેત્રે સંવાદ, સહકાર અને નવી દિશા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ