
અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અત્યારે તો ખાલી કહેવાતી દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ જોવા મળતા પોલીસનો ખોફ અને કામગીરી સામે સવાલો થઈ રહ્યાં છે.
અમદાવાદ પૂર્વના રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત મીલ ચાર રસ્તા પાસે મોડીરાત્રે દેશી દારૂ ભરેલી રિક્ષાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે ભેગા થયેલા લોકોએ રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને દારૂ પીધેલા રિક્ષાચાલકને પોલીસ હવાલે કર્યો હતો. બુટલેગરો બેફામ બનતાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે.
ગત 23 ઓગસ્ટના રોજ રાત્રે 11:15 વાગ્યા આસપાસ અજીત મીલ ચાર રસ્તા નજીક એક રિક્ષાચાલકે બેફામપણે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રિક્ષાચાલક ભારે નશાની હાલતમાં હતો અને રિક્ષામાંથી દેશી દારૂની તીવ્ર વાસ આવતી હતી. લોકોએ રિક્ષાની તપાસ કરતાં અંદરથી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી રિક્ષામાંથી મળી આવેલા 3 મોટા પ્લાસ્ટિકના કોથળામાંથી 19 થેલીઓમાં ભરેલો કુલ 57 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.
બે શખ્સો સામે ગુનો નોંધાયો
પોલીસે આ મામલે રખિયાલના વિવેકાનંદ આવાસમાં રહેતા મનીષ ડાભી અને નડિયાદના કનીપુરા કબરસ્તાન પાસે રહેતા વિજય તળપદા નામના બે શખ્સ સામે ગુનો નોંધી દાખલ કર્યો છે. આ ઉપરાંત, મનીષ ડાભી દારૂ પીધેલી હાલતમાં હોય તેની સામે પ્રોહિબિશનનો અલગથી કેસ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ