
અમદાવાદ,24 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીના અડધો કિલો સોનાની ચેઈન સાથે ભાવનગરની મહિલા ડોકટર ઝડપાઈ. મહિલા ડોકટરે હાઈનેક સ્વેટરમાં છુપાવી હતી, શારજાહથી 'એર અરેબિયા'ની ફ્લાઈટમાં અમદાવાદ આવી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી સોનાની ગેરકાયદે દાણચોરી કરવાના નવા પેંતરાનો કસ્ટમ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે.
શારજાહથી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી પહોંચેલી ભાવનગરની 31 વર્ષીય મહિલા ડોક્ટર પાસેથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે હાઈ-નેક પહેરેલા સ્વેટરની અંદર છુપાવેલી 83.14 લાખ રૂપિયાથી વધુની કિંમતની 24 કેરેટ સોનાની ચેઈન ઝડપી પાડી છે.
કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને આ દાણચોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
એરપોર્ટ પર દાણચોરી અટકાવવા માટે ચાલી રહેલા સઘન ચેકિંગ અને પેસેન્જર પ્રોફાઇલિંગ દરમિયાન શારજાહથી 'એર અરેબિયા'ની ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા મુસાફરો પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે ટીમ વોચ રાખી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતાં એક મહિલા પેસેન્જરને અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
મહિલાની ઝીણવટભરી શારીરિક તપાસ કરતાં તેણે પહેરેલા હાઈ-નેક સ્વેટરના અંદરના ભાગમાં ચાલાકીપૂર્વક છુપાવી રાખેલી સોનાની ભારે ચેઈન મળી આવી હતી.
કસ્ટમ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સોનાની ચેઈનનું કુલ વજન 499.540 ગ્રામ હોવાનું અને તે 24 કેરેટ શુદ્ધતા ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત આશરે 83,14,843 રૂપિયા આંકવામાં આવી છે.
અધિકારીઓએ આ તમામ સોનાના દાગીનાને 'કસ્ટમ્સ એક્ટ, 1962' ની સંબંધિત કલમો હેઠળ વિધિવત જપ્ત કરી લીધા હતા.
ભાવનગરની 31 વર્ષીય તબીબની ધરપકડ બાદ જામીન પર મુક્તિ
ઝડપાયેલી મહિલા પેસેન્જરની પ્રાથમિક પૂછપરછમાં તે ભાવનગરની રહેવાસી હોવાનું, તેની ઉંમર 31 વર્ષ હોવાનું અને તે વ્યવસાયે ડોક્ટર હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ મહિલા ડોક્ટરની ધરપકડ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ