
કાઠમંડુ,27 ઓગસ્ટ (હિ.સ.) નેપાળના રાસુવા અને આસપાસના વિસ્તારોમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરમાં બુધવારે સવારથી ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે અને લગભગ 700 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાં વિદેશી નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. પૂરે ત્રણ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે, જેમાં લોકો, ઘરો, વાહનો અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ તણાઈ ગઈ છે. આને તાજેતરના વર્ષોમાં નેપાળની સૌથી ભયંકર જળ આપત્તિ કહેવામાં આવી રહી છે.
નેપાળ પોલીસના એક્સ-પોસ્ટ દ્વારા પ્રકાશિત રાસુવા જિલ્લામાંથી મોડી રાતના પૂરના અપડેટમાં મૃત્યુઆંક 157 હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ચીનની સરહદે આવેલા જિલ્લાઓથી લઈને ભારતીય સરહદે આવેલા વિસ્તારો સુધી નેપાળમાં પૂરમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ પોલીસે અપડેટ જાહેર કરતા પહેલા જારી કરાયેલા સરકારી નિવેદન મુજબ, સૌથી વધુ અસરગ્રસ્ત રાસુવા જિલ્લામાંથી માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો હતો અને ભારતની સરહદે આવેલા ચિતવાનમાં નારાયણી નદીમાંથી 64 મૃતદેહો મળી આવ્યા હતા.
ગોરખા જિલ્લામાંથી ઓગણીસ, ધાડિંગ જિલ્લામાંથી 18, નુવાકોટમાં 11 , તનાહુમાં નવ અને ભારતની સરહદે આવેલા નવલપરાસી જિલ્લામાંથી એક મૃતદેહ મળી આવ્યો છે.
અત્યાર સુધીમાં, સંબંધિત જિલ્લા વહીવટી કચેરીઓમાંથી 245 સ્થાનિક રહેવાસીઓ સંપર્કવિહોણા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, 26 નેપાળ પોલીસ કર્મચારીઓ, 22 નેપાળ આર્મીના કર્મચારીઓ અને 13 સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ ગુમ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 384 પ્રવાસીઓ પણ ગુમ થયા છે.
નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા પ્રવાસીઓમાં 139 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના 37 એનઆરઆઈ પણ ગુમ થયાના અહેવાલ છે.
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 81 ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તે બધાની સારવાર કાઠમંડુ અને આસપાસના જિલ્લાઓની હોસ્પિટલોમાં થઈ રહી છે.
બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 216 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. આમાંથી 123 લોકોને હેલિકોપ્ટર દ્વારા અને 93 લોકોને જમીન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
પૂરને કારણે ઘણા વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને પણ ગંભીર અસર થઈ છે.
સરકારી આંકડાઓ અનુસાર, 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારો વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. તેવી જ રીતે, 40 કિલોમીટરનો હાઇવે પણ પૂરથી પ્રભાવિત થયો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ