રક્ષાબંધન પર્વે કષ્ટભંજનદેવ દાદાના સિંહાસને રાખડીઓનો દિવ્ય શણગાર
બોટાદ, 27 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વે સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાં વસતી હજારો બહેનો અને દીકરીઓ દ્વારા “મારા દાદાને મારી રાખડી” અભિયાન અંતર્ગત મોકલવ
હનુમાન દાદા નો શણગાર


બોટાદ, 27 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વે સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાં વસતી હજારો બહેનો અને દીકરીઓ દ્વારા “મારા દાદાને મારી રાખડી” અભિયાન અંતર્ગત મોકલવામાં આવેલી રાખડીઓથી દાદાના સિંહાસનનો ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને રક્ષણના સંકલ્પનું પર્વ છે. સાળંગપુરના કષ્ટભંજનદેવ દાદાને પોતાના ભાઈ અને રક્ષક સમાન માનીને અનેક બહેનો-દીકરીઓએ દૂર-દૂરથી રાખડીઓ મોકલી હતી. ભક્તિ અને લાગણીથી મોકલવામાં આવેલી આ રાખડીઓ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ રંગ અને ડિઝાઇનની રાખડીઓથી દાદાના સિંહાસનને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

રક્ષાબંધન નિમિત્તે દાદાને ધારણ કરાવવામાં આવેલા વિશેષ દિવ્ય વાઘા અને રાખડીઓના શણગારથી દાદાનું સ્વરૂપ અત્યંત મનોહર અને અલૌકિક લાગી રહ્યું હતું. મંદિર પરિસરમાં દર્શનાર્થે આવેલા ભક્તો માટે પણ આ દિવ્ય શણગાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારો અને વિદેશમાં વસતા ભક્તોએ પોતાની શ્રદ્ધા અને લાગણી વ્યક્ત કરતાં રાખડીઓ મોકલી હતી. દાદાને ભાઈ માનીને બહેનો દ્વારા મોકલાયેલી રાખડીઓએ રક્ષાબંધન પર્વને આધ્યાત્મિક ભાવના સાથે વધુ વિશેષ બનાવી દીધો હતો.

સાળંગપુરધામમાં સર્જાયેલો આ ભક્તિમય માહોલ સૌ માટે આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande