
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા તા. ૨૬થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહિલા સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે આયોજિત આ ઉત્સવના પ્રારંભ પ્રસંગે લાભાર્થીઓને કુલ રૂ. ૨૬.૫૦ લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ પેટે રૂ. ૧૦.૫૦ લાખ તથા બે સખી મંડળોને કેશ ક્રેડિટ પેટે રૂ. ૧૬ લાખની સહાયનો સમાવેશ થાય છે.
ઉત્સવમાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હાથ બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે કુલ ૨૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ભાવનગર ઉપરાંત આણંદ, અમરેલી, મોરબી અને રાજકોટ જિલ્લાના સ્વસહાય જૂથો પણ તેમાં જોડાયા છે.
ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાએ સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મહિલા ઉદ્યોગસાહસિકોને બજાર મળી રહે અને તેમની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે નાગરિકોને શ્રાવણ ઉત્સવની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA