
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). ઉત્તર-પશ્ચિમી બંગાળની ખાડીમાં બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રને કારણે પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી તટીય રાજ્યોમાં ખૂબ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે, દિલ્હી-એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી ભેજવાળી ગરમીથી ખાસ રાહત મળવાનો અંદાજ નથી.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી) અનુસાર રાજધાનીમાં શનિવારે (29 ઓગસ્ટ) આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાનો અંદાજ છે, જ્યાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 30 અને 31 ઓગસ્ટના રોજ પણ હવામાનનો મિજાજ આવો જ રહેશે. આ દિવસોમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, હળવા વરસાદની આગાહી છતાં શુક્રવારનો દિવસ પણ રાજધાનીમાં ભેજવાળો રહ્યો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તરી ઓડિશાના દરિયાકાંઠે ઓછા દબાણનું ક્ષેત્ર બનવાથી ચોમાસું પૂર્વીય ભાગોમાં સંપૂર્ણપણે સક્રિય રહેશે. ઓડિશાના ઘણા ભાગોમાં 29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો અંદાજ છે જ્યારે 30 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ થઈ શકે છે. ગંગાના મેદાની વિસ્તારોવાળા પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પૂર્વોત્તર રાજ્યોના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 2 સપ્ટેમ્બર સુધી વ્યાપક વરસાદ અને 30 ઓગસ્ટના રોજ ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાવા અને તોફાની હવામાન રહેવાનો અંદાજ છે.
જ્યારે, પશ્ચિમ ભારતના કોંકણ અને ગોવામાં 3 સપ્ટેમ્બર સુધી મોટાભાગના સ્થળોએ વરસાદ ચાલુ રહેશે. ગુજરાત અને મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની અપેક્ષા છે.
દક્ષિણ ભારતમાં આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે. તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં હવામાન પ્રમાણમાં સૂકું રહેશે, જોકે તટીય કર્ણાટક અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે.
દેશના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પશ્ચિમી ઉત્તર પ્રદેશ (21 સેમી), ઉત્તરાખંડ, મેઘાલય, મિઝોરમ અને પૂર્વીય મધ્ય પ્રદેશ (12 થી 20 સેમી), પૂર્વીય રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમી મધ્ય પ્રદેશ (7 થી 11 સેમી) માં ભારે વરસાદ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ