
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) : નવીબંદર
મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
રૂ.1.15 કરોડથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને પોરબંદર LCBએ ઝડપી પાડ્યો છે. નવીબંદર મરીન પો.સ્ટે.માં તા. 1 જુલાઈ 2026ના રોજ નોંધાયેલા ગુનામાં ટાટા કંપનીના ટ્રક માંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ 25,560 મળી આવી હતી.
દારૂની કિંમત રૂ.1,00,30,872 તથા ટ્રકની કિંમત રૂ.15 લાખ મળી કુલ રૂ.1,15,49,872નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ખીમા મેસુરભાઈ કોડીયાતરનું નામ ખુલ્યું હતું. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB I/C પીઆઈ આર.કે. કાંબરીયાની રાહબરી હેઠળ ASI ઉદયભાઈ વરૂ, હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલી બાતમીના આધારે આરોપી ખીમા કોડીયાતરને બાવળવાવ ગામના પાટિયા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી વિરુદ્ધ પોરબંદર જિલ્લાના નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી ખીમા મેસુરભાઈ કોડીયાતર, ઉંમર 28 વર્ષ, મૂળ પાસ્તરડી ગામ, ગડુ ચેકપોસ્ટ પાસે ઉગમણી સીમ વાડી વિસ્તાર, તાલુકો ભાણવડ,
જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya