
નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ) એ, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં સંકુચિત કુદરતી ગેસ (સીએનજી) ના ભાવમાં 3.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં સીએનજીની કિંમત 86.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. નવા દરો શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ) એ એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં સીએનજીના ભાવમાં 3.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં તેની નવી કિંમત 86.98 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ પહેલા આ કિંમત 83.09 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે, નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીનો નવો ભાવ 95.59 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
આ વધારા પછી ઉત્તર પ્રદેશના શામલી અને મેરઠમાં સીએનજીનો નવો ભાવ 95.47 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ગુરુગ્રામમાં હવે તે 92.01 રૂપિયા પ્રતિ કિલો પડી રહ્યું છે. હરિયાણાના રેવાડીમાં નવો ભાવ 91.59 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
આઇજીએલએ એક નિવેદનમાં જણાવ્યું કે, સીએનજી માટે જરૂરી ગેસનો એક મોટો હિસ્સો આયાતી પ્રવાહીકૃત કુદરતી ગેસ (એલએનજી) થી પૂરો કરવામાં આવી રહ્યો છે, જેના હાજર અથવા વર્તમાન બજારમાં ભાવ પશ્ચિમ એશિયા સંકટમાં સંઘર્ષ શરૂ થયા પછી વધ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સીએનજીના ભાવમાં આ પાંચમો વધારો છે. આ પહેલા આઇજીએલએ માત્ર 10 દિવસના સમયગાળા દરમિયાન ચાર તબક્કામાં કુલ 6 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ