
બોટાદ, 29 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી ડોર ટુ ડોર કચરા સંગ્રહની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. તાલુકાની કુલ ૫૦ ગ્રામ પંચાયતોમાં ૩૩ ડોર ટુ ડોર કચરા સંગ્રહ વાહનો દ્વારા નિયમિત રીતે ઘેર-ઘેરથી કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થાના કારણે ગામડાઓમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત બની રહી છે.
ગામડાઓમાં ઘરેલું કચરો રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ કે જાહેર સ્થળોએ ન ફેંકાય અને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે ડોર ટુ ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. વાહનો દ્વારા રહેણાંક વિસ્તારોમાં જઈને લોકોના ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. આથી જાહેર સ્થળોએ કચરાના ઢગલા થવાની સમસ્યામાં ઘટાડો થવાની સાથે ગામના વાતાવરણમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે છે.
સ્વચ્છતા સાથે પર્યાવરણની જાળવણી અને લોકોના આરોગ્યને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગ્રામજનોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવા તેમજ કચરો જાહેરમાં ન નાખવા અંગે જાગૃત કરવામાં આવે છે. કચરાનું યોગ્ય રીતે એકત્રિકરણ અને નિકાલ થવાથી ગામના રસ્તાઓ, શેરીઓ તથા જાહેર સ્થળો સ્વચ્છ રહેવામાં મદદ મળી રહી છે.
બોટાદ તાલુકાની ૫૦ ગ્રામ પંચાયતોમાં ૩૩ વાહનો દ્વારા ચાલી રહેલી આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની નવી સંસ્કૃતિ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે તંત્રની કામગીરી સાથે ગ્રામજનોનો સહકાર પણ એટલો જ જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA