
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.) સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજ ખાતે શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રમતગમતનું મહત્વ, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંગીત ખુરશી, ચેસ અને કેરમ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કૉલેજના આચાર્ય ડૉ. ટી. પી. આનંદે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતમાં પણ સક્રિય રહેવા તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગના શ્રી સુનિલ રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ