
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, ઈ-20 પેટ્રોલને લઈને કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 29 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલા જવાબથી જેટલા પ્રશ્નોના ઉત્તર મળ્યા, તેના કરતાં અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે. તેમણે કહ્યું કે, સરકાર એક તરફ ઈ-20 ને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવી રહી છે, જ્યારે બીજી તરફ ગ્રાહકોના અનુભવો અને વિવિધ તકનીકી દસ્તાવેજો ઘણી મહત્વપૂર્ણ ચિંતાઓ રજૂ કરે છે.
જયરામ રમેશે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું કે ઈ-20 ઇંધણને વર્ષોના વૈજ્ઞાનિક પરીક્ષણ પછી લાગુ કરવામાં આવ્યું છે અને તેનાથી વાહનોને વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડવાનો કોઈ પુરાવો નથી, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરના વાહન માલિકો અને મિકેનિક્સ માઇલેજમાં ઘટાડો, એન્જિનના પ્રદર્શનમાં ઘટાડો, 2023 પહેલા બનેલા વાહનોની ઈ-20 સાથે અનુકૂળતા, કોલ્ડ-સ્ટાર્ટની સમસ્યા, એન્જિનના ઝડપથી ઘસાઈ જવા, ફ્યુઅલ ઇન્જેક્ટર જામ થવા, ફ્યુઅલ લાઇનમાં કાટ લાગવા તથા રબરના પાર્ટ્સમાં તિરાડ પડવા જેવી ફરિયાદો સતત ઉઠાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, જૂન 2026માં 2023 પહેલા બનેલા પેટ્રોલ વાહનોના 44 હજારથી વધુ માલિકો પર કરવામાં આવેલા એક સ્વતંત્ર સર્વેક્ષણમાં મોટી સંખ્યામાં લોકોએ ઈ-20 લાગુ થયા પછી તેમના વાહનો પર પ્રતિકૂળ અસર અનુભવાઈ હોવાનું જણાવ્યું છે.
તેમણે દાવો કર્યો કે, સપ્ટેમ્બર 2025માં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બાયોફ્યુઅલથી વાહનોને નુકસાન પહોંચાડવા સંબંધિત ફરિયાદોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. આમ છતાં, જુલાઈ 2026ના ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ)ના રિપોર્ટ અને નીતિ આયોગના 2021ના ઇથેનોલ પોલિસી રોડમેપમાં ઈ-20 ના ઉપયોગ સાથે સંકળાયેલી કેટલીક તકનીકી અસરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં ઈ-10 માટે ડિઝાઇન કરાયેલા વાહનોમાં રબરના પાર્ટ્સ ઝડપથી ખરાબ થવા, ફ્યુઅલ ટેન્ક અને અન્ય ધાતુના ભાગોમાં કાટ લાગવા તથા કેટલીક શ્રેણીના વાહનોમાં ઇંધણ કાર્યક્ષમતા ઓછી થવા જેવી બાબતોનો ઉલ્લેખ છે.
જયરામે કહ્યું કે, ઈ-20 ને લઈને લોકોમાં જવાબદારી અને પારદર્શિતાની માંગ વધી રહી છે. સરકારે આ વિષય પર ઉપલબ્ધ તમામ વૈજ્ઞાનિક અભ્યાસો અને આંકડાઓ સાર્વજનિક કરવા જોઈએ, જેથી ગ્રાહકોની આશંકાઓનું તથ્યપૂર્ણ આધાર પર સમાધાન થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ