વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલાં કોરિયા માસ્ટર્સમાં, ભારતીય શટલરો તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા ઉતરશે
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). બેડમિન્ટન વિશ્વ મહાસંઘ (બીડબ્લ્યુએફ) વર્લ્ડ ટૂરનો આગલો પડાવ કોરિયા માસ્ટર્સ 2026 હશે, જ્યાં ભારતીય શટલરો આ મહિને નવી દિલ્હીમાં યોજાનારી બીડબ્લ્યુએફ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલાં પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાન
ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંત


નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). બેડમિન્ટન વિશ્વ મહાસંઘ (બીડબ્લ્યુએફ) વર્લ્ડ ટૂરનો આગલો પડાવ કોરિયા માસ્ટર્સ 2026 હશે, જ્યાં ભારતીય શટલરો આ મહિને નવી દિલ્હીમાં યોજાનારી બીડબ્લ્યુએફ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલાં પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાના ઇરાદાથી ઉતરશે.

4 થી 9 ઓગસ્ટ સુધી આયોજિત થનારી આ સુપર 300 ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા ઉપરાંત આત્મવિશ્વાસ વધારવાનો પણ ઉત્તમ અવસર હશે.

ટુર્નામેન્ટની 18મી આવૃત્તિ આ વખતે દક્ષિણ કોરિયાના આસન શહેરમાં આવેલા આસન યી સુન-સિન જિમ્નેઝિયમમાં રમાશે. અગાઉની ત્રણ આવૃત્તિઓ અનુક્રમે ગ્વાંગજુ (2022, 2023) અને ઇક્સાન (2024, 2025) માં આયોજિત થઈ હતી. આ વખતે સ્પર્ધાની કુલ ઇનામી રકમ 2.50 લાખ અમેરિકી ડોલર રાખવામાં આવી છે, જે ગયા વર્ષના 2.40 લાખ ડોલર કરતાં વધુ છે.

ભારતીય પડકારનું નેતૃત્વ પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, તરુણ મન્નેપલ્લી, મિથુન મંજુનાથ, રૌનક ચૌહાણ અને સનીત દયાનંદ કરશે. જ્યારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં એસ. શંકર મુથુસામી સુબ્રમણ્યમ અને તુષાર સુવીર પોતાનું નસીબ અજમાવશે.

મહિલા સિંગલ્સમાં તાજેતરમાં શાનદાર ફોર્મમાં રહેલી તન્વી શર્મા પર ખાસ નજર રહેશે. તેમના સિવાય માલવિકા બંસોડ, અનમોલ ખરબ, આકાંક્ષા કશ્યપ, અશ્મિતા ચાલિહા, તાન્યા હેમંત, ઈશારાણી બરુઆ, શ્રીયંશી વાલિશેટ્ટી, રક્ષિતા શ્રી સંતોષ રામરાજ અને માનસી સિંહ પણ ભારતીય પડકાર રજૂ કરશે.

પુરુષ ડબલ્સમાં પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય/કૃષ્ણ પ્રસાદ ગરગા, ભાર્ગવ રામ અરિગેલા/વિશ્વ તેજ ગોબ્બુરુ તથા પોચાના અર્જુન રેડ્ડી/અચુતાદિત્ય રાવ ડોડ્ડાવરાપુની જોડીઓ કોર્ટ પર ઉતરશે.

મહિલા ડબલ્સમાં પ્રિયા કોંજેંગબામ/શ્રુતિ મિશ્રા અને સોનાલી સિંહ/ઋતિકા ઠાકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મિશ્ર ડબલ્સમાં ઈશાન ભટનાગર/શ્રુતિ મિશ્રા, ધ્રુવ રાવત/મનીષા કે. તથા સાત્વિક રેડ્ડી કનાપુરમ/રાધિકા શર્માની જોડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

જોકે ભારતને કેટલાક મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી પણ સાલશે. પુરુષ સિંગલ્સમાંથી એચએસ પ્રણય, લક્ષ્ય શર્મા, પ્રિયાંશુ રાજાવત, આલાપ મિશ્રા, ઓરિજિત ચાલિહા, પ્રણય શેટ્ટીગર અને ગિનપોલ સોનાએ નામ પાછા ખેંચી લીધા છે. જ્યારે મહિલા સિંગલ્સમાં તસ્નીમ મીર અને સમિયા ઇમાદ ફારૂકી પણ સ્પર્ધામાં ભાગ નહીં લે.

ગયા વર્ષે ઇક્સાનમાં આયોજિત કોરિયા માસ્ટર્સના પુરુષ સિંગલ્સના વિજેતા જિયા હેંગ જેસન તેહ, મહિલા સિંગલ્સની ચેમ્પિયન ચિઉ પિન-ચિયાન, પુરુષ ડબલ્સના વિજેતા લી જોંગ-મિન/વાંગ ચાન, મહિલા ડબલ્સની ચેમ્પિયન હિનાતા સુઝુકી/નાઓ યામાકિતા અને મિશ્ર ડબલ્સના વિજેતા કિમ જે-હ્યોન/જિયોંગ ના-યુન હતા.

ભારતીય શટલરો મા,ટે આ ટુર્નામેન્ટ નવી દિલ્હીમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ પહેલાં પોતાનું ફોર્મ અને આત્મવિશ્વાસ મજબૂત કરવાનો મહત્વપૂર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande