
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં, ભારતના શાનદાર પ્રદર્શન પાછળ દેશની મહિલા ખેલાડીઓનું દમદાર પ્રદર્શન સૌથી મોટી તાકાત રહ્યું. ભારતીય દળના 13 સુવર્ણ પદકોમાંથી આઠ સુવર્ણ મહિલા ખેલાડીઓએ જીતીને એ સાબિત કરી દીધું કે, ભારતીય રમતોમાં હવે 'નારી શક્તિ' માત્ર ભાગીદારી જ નહીં, પરંતુ સફળતાની સૌથી મોટી ઓળખ બની ચૂકી છે.
વેઈટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોમાં ભારતીય મહિલા ખેલાડીઓએ સુવર્ણ પદક જીતીને સમગ્ર અભિયાનનું નેતૃત્વ કર્યું. આ ભારતીય રમતોમાં મહિલાઓની વધતી તાકાત, આત્મવિશ્વાસ અને સતત સફળતાનો પુરાવો છે.
વેઈટલિફ્ટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ ફરી એકવાર સુવર્ણ પદક જીતીને પોતાની મહાનતા સાબિત કરી. પેરા એથ્લેટિક્સમાં શર્મિલા ધનખડે મહિલાઓની ગોળા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક પોતાના નામે કર્યું, જ્યારે અસ્મિતા ડેએ ઇતિહાસ રચતા કોમનવેલ્થ ગેમ્સમાં જુડોનો સુવર્ણ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
બોક્સિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓએ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. સાક્ષી ચૌધરી, પ્રીતિ પવાર, જૈસ્મિન લાંબોરિયા, પ્રિયા ઘંઘાસ અને અરુંધતિ ચૌધરીએ પોતપોતાના વર્ગમાં સુવર્ણ પદક જીતીને ભારતીય મહિલા બોક્સિંગની વધતી તાકાતનો પરિચય આપ્યો. છેલ્લા એક દાયકામાં ભારતીય મહિલા બોક્સિંગે જે રીતે પ્રગતિ કરી છે, તેનું શાનદાર ઉદાહરણ ગ્લાસગોમાં જોવા મળ્યું.
આ આઠ સુવર્ણ પદકોએ માત્ર ભારતના અભિયાનને નવી ઊંચાઈ જ નથી આપી, પરંતુ એ પણ સાબિત કરી દીધું કે ભારતીય મહિલા ખેલાડીઓ હવે માત્ર ઉભરતી પ્રતિભાઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર સતત સુવર્ણ જીતનારી ચેમ્પિયન બની ચૂકી છે.
ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષાએ, મહિલા ખેલાડીઓના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કરતા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, ભારતના 13 સુવર્ણ પદકોમાંથી આઠ મહિલાઓના નામે હોવું અત્યંત ગર્વની વાત છે. આ ઉપલબ્ધિઓ પાછળ ખેલાડીઓ, તેમના પરિવારો, કોચો અને સહયોગી સ્ટાફની વર્ષોની મહેનત અને સમર્પણ છે. દરેક પદક સંઘર્ષ અને ત્યાગની વાર્તા કહે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચેમ્પિયન દેશની લાખો દીકરીઓને એ વિશ્વાસ અપાવી રહી છે કે તેઓ પણ ભારતની જર્સી પહેરીને વિશ્વ મંચ પર સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ જ 'નારી શક્તિ'ની સાચી ભાવના છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, ગ્લાસગોમાં મળેલી સફળતા ભારતમાં મહિલાઓના સશક્તિકરણની વ્યાપક તસવીર પણ રજૂ કરે છે. શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, શાસન અને રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સકારાત્મક અસર હવે રમતગમતના મેદાનો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. છોકરીઓને રમતો સાથે જોડતી યોજનાઓ, બહેતર તાલીમ સુવિધાઓ, ખેલાડીઓ માટે મજબૂત સહાયતા તંત્ર અને મહિલા ખેલાડીઓને વધતું સન્માન આ બદલાવનો મજબૂત પાયો બન્યા છે.
અખબારી યાદીમાં એ પણ કહેવામાં આવ્યું કે, 'નારી શક્તિ વંદન અધિનિયમ' મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા રહ્યા છે અને તેમને વિશ્વ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રેરિત કરતા રહ્યા છે. ગ્લાસગોમાં ભારતીય મહિલા ખેલાડીઓનું પ્રદર્શન આ જ વ્યાપક વિચાર અને તકોના વિસ્તરણનું પરિણામ છે.
આઈઓએ અનુસાર, આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ખેલાડીઓએ માત્ર પદક જ નથી જીત્યા, પરંતુ ટીમ ભાવનાનું પણ શાનદાર ઉદાહરણ રજૂ કર્યું. અનુભવી ખેલાડીઓએ યુવા ખેલાડીઓનું માર્ગદર્શન કર્યું, એકબીજાની સફળતાની ઉજવણી કરી અને સમગ્ર સ્પર્ધા દરમિયાન ટીમ ઇન્ડિયાની એકતાને નવી ઓળખ આપી.
અખબારી યાદીમાં કહેવામાં આવ્યું કે, એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય મહિલાઓની સફળતાને અપવાદ માનવામાં આવતી હતી, પરંતુ હવે ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમની ઓળખ બની ચૂક્યું છે. આજે ભારત પાસે એવી મહિલા ખેલાડીઓની પેઢી છે, જે દુનિયાની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પડકાર આપવા અને સતત પોડિયમ પર સ્થાન બનાવવાની ક્ષમતા ધરાવે છે.
ગ્લાસગોમાં મીરાબાઈ ચાનુ, શર્મિલા ધનખડ, અસ્મિતા ડે, સાક્ષી ચૌધરી, પ્રીતિ પવાર, જૈસ્મિન લાંબોરિયા, પ્રિયા ઘંઘાસ અને અરુંધતિ ચૌધરીએ જે પ્રેરણા આપી છે, તે માત્ર પદકો સુધી સીમિત નહીં રહે. તેમની ઉપલબ્ધિઓ દેશભરની લાખો દીકરીઓને મોટા સપના જોવા અને તેમને પૂરા કરવાનો ઉત્સાહ આપતી રહેશે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026એ એ સ્પષ્ટ કરી દીધું કે, આ વખતે ભારતના અભિયાનને માત્ર 'નારી શક્તિ'એ મજબૂતી જ નથી આપી, પરંતુ તેણે જ સમગ્ર અભિયાનની ઓળખ પણ નક્કી કરી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ