વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને વર્ષ 2030 સુધીમાં ઉઝબેકિસ્તાન સાથે વેપાર પાંચ ગણો થશે
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારત અને ઉઝબેકિસ્તાન તેમના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવા સંમત થયા છે. આ ઉપરાંત, બંને દેશ વર્ષ 2030 સુધીમાં તેમના 1 અબજ ડોલરના વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે ઉઝબેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારત અને ઉઝબેકિસ્તાન તેમના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવા સંમત થયા છે. આ ઉપરાંત, બંને દેશ વર્ષ 2030 સુધીમાં તેમના 1 અબજ ડોલરના વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. વાટાઘાટો પછી સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 1 અબજ ડોલરને વટાવી ગયો છે અને હવે વર્ષ 2030 સુધીમાં તેને 5 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે બજાર પહોંચ, સંપર્ક, બેંકિંગ અને ચુકવણી વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ વર્ષે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વિશેષ અવસરે અમે સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આજે અમે અમારી ભાગીદારીના આ નવા સ્વરૂપમાં ઝડપી ગતિ અને નક્કર પરિણામો સાથે આગળ વધવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ તૈયાર કરી છે.

વડાપ્રધાને કહ્યું કે, ભવિષ્યમાં સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સીધો સંપર્ક, સંયુક્ત ઉત્પાદન અને સંયુક્ત વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ સામે શૂન્ય સહિષ્ણુતા બંને દેશોનો સહિયારો સંકલ્પ રહેશે. તેમણે કહ્યું કે, ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓ, કૃત્રિમ બુદ્ધિમત્તા, મહત્ત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા, અવકાશ અને પરમાણુ ઊર્જામાં સહયોગ બંને દેશોની ભાગીદારીને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. માળખાકીય સુવિધાઓના વિકાસમાં પણ સહયોગ વધારવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે, ઉઝબેકિસ્તાનના બાગાયતી અનુભવ અને ભારતની આધુનિક કૃષિ પદ્ધતિઓને જોડીને ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપવામાં આવશે. ઔષધીય વનસ્પતિઓ અને આયુર્વેદના ક્ષેત્રમાં પણ સહયોગને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધોના ઊંડા મૂળ સહિયારા વારસામાં છે. ઉઝબેકિસ્તાનના બૌદ્ધ વારસાના સ્થળોના સંરક્ષણ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના આદાનપ્રદાન તથા પર્યટનને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ઉઝબેકિસ્તાનમાં હિન્દીના પ્રચાર માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.

વડાપ્રધાને શતરંજ સહિત રમતગમત સહયોગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કુરાશ અને કબડ્ડી જેવી પરંપરાગત રમતો બંને દેશોના સંબંધોને નવી ઊર્જા આપશે. તેમણે કહ્યું કે, મજબૂત ભારત-ઉઝબેકિસ્તાન ભાગીદારી મધ્ય એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ શક્તિ બનશે. આ સાથે તેમણે ઉઝબેકિસ્તાનની સ્વતંત્રતાની 35મી વર્ષગાંઠ પર ત્યાંની જનતાને અભિનંદન પાઠવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande