
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ, સની દેઓલ સાથે તેમની આગામી ફિલ્મ વિશે મોટું અપડેટ આપ્યું છે. સંતોષીના મતે, બંનેની નવી ફિલ્મ 'ઘાતક ઘૂસ કે મારેગા' પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે, જેમાં સની દેઓલ ફરી એકવાર તેમના દમદાર અને આક્રમક અંદાજમાં જોવા મળશે. જોકે, સંતોષીએ સ્પષ્ટ કર્યું છે કે આ 1996માં રિલીઝ થયેલી સની દેઓલની સુપરહિટ ફિલ્મ 'ઘાતક'ની સિક્વલ નથી, પરંતુ બિલકુલ નવી વાર્તા છે.
ફિલ્મમાં સની દેઓલનું પાત્ર 'ઘાતક'ના તેમના લોકપ્રિય અંદાજની યાદ અપાવશે. સંતોષીના મતે, ફિલ્મમાં જબરદસ્ત એક્શન સાથે દમદાર ડાયલોગ અને ભાવનાત્મક પાસાં પણ જોવા મળશે. તાજેતરમાં રિલીઝ થયેલી 'બંટવારા 1947' પછી આ રાજકુમાર સંતોષી અને સની દેઓલની સાથેની આગામી ફિલ્મ હશે. બંનેની જોડી આ પહેલાં 'ઘાયલ', 'દામિની' અને 'ઘાતક' જેવી ફિલ્મોમાં દર્શકોને પ્રભાવિત કરી ચૂકી છે, આથી નવી ફિલ્મને લઈને પણ ઉત્સુકતા વધી ગઈ છે.
રાજકુમાર સંતોષી, સની દેઓલ સાથે અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. આમાં એક એક્શન-ડ્રામા ફિલ્મ શામેલ છે, જેમાં સની અમેરિકામાં રહેતા એક શીખની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત બંને 'અદા અપની અપની' નામની કોમેડી ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે, જેનો અંદાજ 'અંદાજ અપના અપના'ની તર્જ પર હોવાનું કહેવાય છે. જ્યારે, 'જાટ 2'ના દિગ્દર્શન અંગે સંતોષીએ કહ્યું કે તેમણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, કારણ કે તેઓ સિક્વલ બનાવવાને બદલે નવી અને ઓરિજિનલ વાર્તાઓ પર કામ કરવાનું પસંદ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ