
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલનમાં ઉપવાસ કરનાર લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનું માનવું છે કે સીજેપીનું નેતૃત્વ સંભાળી રહેલા અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાના રાજકીય હિત હોઈ શકે છે. જોકે, તેઓ ઈચ્છે છે કે સંગઠન એક દબાણ મંચ તરીકે કામ કરતું રહે અને રાજકીય મંચ ન બને. તેનાથી તેની પવિત્રતા નષ્ટ થઈ જશે.
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે, એક યુ-ટ્યુબર પ્રખર ગુપ્તાને ઇન્ટરવ્યુ આપ્યો છે. આમાં વાંગચુકે કહ્યું કે, તેઓ નથી માનતા કે સીજેપીને નેતૃત્વ આપનારા લોકો કોઈ સંત-મહાત્મા છે. તેમના પોતાના રાજકીય હિત હોઈ શકે છે. તેઓ આ વાતની પણ ગેરંટી આપી શકતા નથી કે તેઓ આગળ જતાં ભ્રષ્ટ નહીં થાય.
વાંગચુકે કહ્યું, મેં ઘણી તપાસ કરી તો લાગ્યું કે રાજકીય મહત્વાકાંક્ષાઓ ચોક્કસ હશે અને તે કદાચ કોઈ ખોટી વાત પણ નહીં હોય. ...પરંતુ આ મંચ (સીજેપી)ને તમે (સીજેપી નેતૃત્વ) લોકોએ એક રાજકીય પાર્ટી તરીકે શરૂ કર્યું નથી, તેની પવિત્રતા જાળવી રાખવી જોઈએ. તેને એક તટસ્થ રાજકીય દબાણ જૂથ જાળવી રાખવું જોઈએ, જેથી તમે વધુ કામ કરી શકશો. મંચને જ રાજકીય ન બનાવવું જોઈએ, જેથી લોકોની આસ્થા વધુ બની રહે. બાકી આગળ જતાં તમે કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકો છો અથવા નવી રાજકીય પાર્ટી શરૂ કરી શકો છો. પરંતુ આ પ્લેટફોર્મને જેમાં લોકોએ ...એક સ્ટુડન્ટ્સ મૂવમેન્ટ જોઈ છે. તેને કોઈ રાજકીય રંગ આપવો સારી વાત નથી.
તેમણે કહ્યું કે, અત્યાર સુધી તેમને સીજેપી નેતૃત્વના ભ્રષ્ટ થવાના કોઈ સંકેત દેખાયા નથી, પરંતુ ભવિષ્યને લઈને નિશ્ચિતપણે કંઈ કહી શકાય નહીં. તેમના મૂલ્યાંકનમાં આ લોકો સરેરાશથી વધુ સારા, સમજદાર અને જાગૃત છે, પરંતુ આગળ જતાં તેઓ શું કરે છે, તેનો અંદાજ લગાવવો શક્ય નથી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ