
- ભારતે દવા ઉત્પાદનોના નિકાસમાં વધારો કરવા માટે બ્રાઝિલમાં વધુ વિશ્વસનીય નિયમનકારી વ્યવસ્થાની માગ કરી
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) ભારત અને બ્રાઝિલે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહકારને વધુ મજબૂત કરવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો છે. રાજધાની બ્રાસિલિયામાં યોજાયેલી 8મી ભારત-બ્રાઝિલ વેપાર મોનિટરિંગ મિકેનિઝમ (ટીએમએમ)ની બેઠકમાં બંને દેશોએ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 30 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે.
બ્રાઝિલના બ્રાસિલિયામાં આયોજિત ભારત-બ્રાઝિલ વેપાર મોનિટરિંગ મિકેનિઝમની 8મી બેઠકમાં ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને રેખાંકિત કરતું મજબૂત સંસ્થાગત માળખું અને વ્યૂહાત્મક તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને પક્ષોની સહિયારી પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકની સહ-અધ્યક્ષતા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને બ્રાઝિલની વિદેશ વેપાર સચિવ તાતિયાના લેસાર્ડા પ્રાજેરેસે કરી.
બેઠક દરમિયાન ભારતે દવા ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે બ્રાઝિલમાં વધુ વિશ્વસનીય નિયમનકારી વ્યવસ્થાની માગ કરી છે. બંને પક્ષોએ વધુ વૈવિધ્યસભર, સંતુલિત અને સતત ભાગીદારી દ્વારા ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો, એન્જિનિયરિંગ સામાન અને મશીનરીના ક્ષેત્રમાં 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 30 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ દરમિયાન વાણિજ્ય સચિવે બ્રાઝિલ સરકારના વિકાસ, ઉદ્યોગ, વાણિજ્ય અને સેવા મંત્રી માર્સિયો એલિયાસ રોજા સાથે પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય વેપાર તથા રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં આર્થિક સહકાર વધારવા અંગે ચર્ચા કરી. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારત-મર્કોસુર પ્રાથમિક વેપાર કરારના વિસ્તરણ અને આધુનિકીકરણની પૂરતી શક્યતા છે. વર્ષ 2025માં ભારત-મર્કોસુર દ્વિપક્ષીય વેપાર 0.84 અબજ ડોલર સુધી પહોંચતાં બંને પક્ષોએ કાર્યક્ષેત્રની શરતોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા સંમતિ વ્યક્ત કરી.
ભારત અને બ્રાઝિલ વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2025-26માં 15.07 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. તેને 2030 સુધી 30 અબજ અમેરિકી ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ