
- ભારતમાં મજબૂત ડિફેન્સ વર્કફોર્સ બનશે, દેશમાં અમેરિકી નોકરીઓના અવસર મળશે
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.)। ભારતે અમેરિકા પાસેથી ટૅન્કવિરોધી મિસાઇલ સિસ્ટમ એફજીએમ-148 જૅવલિન ખરીદવાનો કરાર કર્યો છે. ભારતે જૅવલિન સિસ્ટમ માટે પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર પર પણ હસ્તાક્ષર કરી દીધાં છે. હવે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને જૅવલિન જૉઇન્ટ વેન્ચર (જેજેવી)એ ભારતમાં આ સિસ્ટમના નિર્માણ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ભારતીય સંરક્ષણ ઉદ્યોગને ખાસ અવસરો આપશે અને ઇન્ડો-પેસિફિક માટે પ્રાદેશિક સ્થિરતાને મજબૂત કરશે.
અમેરિકી દૂતાવાસની પ્રવક્તા ડાના જીએએ 28 ઓગસ્ટે પુષ્ટિ કરી હતી કે, ભારતે જૅવલિન સિસ્ટમ માટે પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર પર હસ્તાક્ષર કરી દીધાં છે. આ કરાર પર હસ્તાક્ષર સાથે ભારત જૅવલિન સિસ્ટમનો ગ્રાહક બની ગયું છે, જે એક અદ્યતન, મધ્યમ-અંતરની ફાયર-એન્ડ-ફૉર્ગેટ એન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ છે. હવે ભારતમાં જૅવલિન સિસ્ટમના નિર્માણ માટે જૅવલિન જૉઇન્ટ વેન્ચરે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સને પ્રાઇમ પાર્ટનર તરીકે પસંદ કર્યું છે. આ કરાર હેઠળ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને જેજેવી ભારતમાં જૅવલિન સિસ્ટમ માટે ફાઇનલ એસેમ્બલી અને એકીકરણ સુવિધા બનાવવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરશે.
ટૅન્કવિરોધી મિસાઇલ સિસ્ટમ એફજીએમ-148 જૅવલિન ભારત અને અમેરિકી ભાગીદારી માટે લાભદાયી રહેશે. તેનાથી ભારતમાં એક મજબૂત ડિફેન્સ વર્કફોર્સ બનશે. સાથે જ, અનેક વર્ષોના ઉત્પાદન દ્વારા ઘરેલુ સપ્લાય ચેઇનમાં અમેરિકી નોકરીઓ જળવાઈ રહેશે. દેશમાં કો-પ્રોડક્શન શરૂ થવાથી ભારતનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ બેઝ મજબૂત થશે. આથી જૅવલિનની ફાઇનલ એસેમ્બલી અને ઇન્ટિગ્રેશન ભારતીય સુવિધાઓ અને સપ્લાયર્સ સુધી પહોંચશે, હાઇ-ટેક નોકરીઓ સર્જાશે, સ્થાનિક ઉત્પાદન નિપુણતા વધશે અને વિશ્વભરમાં વધતી માંગને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનની મજબૂતીને ટેકો મળશે. વિશ્વસનીય જૅવલિન વેપન સિસ્ટમની સપ્લાયથી આ વિસ્તારના ભાગીદાર દેશોને મદદ મળશે.
જૅવલિન જૉઇન્ટ વેન્ચરના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોગ્રામ ડિરેક્ટર રિચ લિસિયને કહ્યું કે, આ ભાગીદારી જૅવલિન જૉઇન્ટ વેન્ચર અને ભારતીય ભાગીદાર વચ્ચેના ઊંડા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે, જે આંતરસંચાલનીયતા અને સંયુક્ત સંરક્ષણ પહેલને મજબૂતી આપશે, અને જે ઇન્ડો-પેસિફિક ભાગીદારીના મોટા લક્ષ્યો સાથે સુસંગત છે. ભારતમાં એક સમર્પિત જૅવલિન અંતિમ એસેમ્બલી અને એકીકરણ સુવિધા બનાવવા માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરવી આ મહત્વપૂર્ણ એન્ટી-ટૅન્ક વેપન સિસ્ટમ માટે મજબૂત સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહયોગ માત્ર ભારતની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને જ વધારતો નથી, પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિર માળખાને પણ મજબૂત કરશે, જેથી વિશ્વભરમાં અમારા ભાગીદારો ઊભરતા ખતરાઓનો ઝડપથી જવાબ આપી શકે.
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિર્દેશક સુકરન સિંહે કહ્યું કે, લોકહીડ માર્ટિન અને રેથિયોન સાથેના અમારા લાંબા સમયથી ચાલતા સંબંધમાં આ મહત્વપૂર્ણ આગામી પગલા પર જૅવલિન જૉઇન્ટ વેન્ચર સાથે ભાગીદારી કરીને અમને આનંદ છે. આ પહેલ ભારતના સંરક્ષણ ઔદ્યોગિક પરિતંત્રમાં જરૂરી એસેમ્બલી નિપુણતા અને પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ લાવવાની સાથે આત્મનિર્ભરતાને પણ મજબૂત કરશે. આ કરાર ભારતની ઓપરેશનલ તૈયારી વધારવાની સાથે ભારતીય સશસ્ત્ર દળોને લડાઈ માટે તૈયાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ