
બિશ્કેક, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે અહીં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનથી ઇતર ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધો સાથે સાથે પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાઓ અને ઝડપથી બદલાતી પ્રાદેશિક સ્થિતિ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું.
વિદેશ મંત્રાલય અનુસાર, વડાપ્રધાને ક્ષેત્રમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં ભારતના આ સતત વલણને પુનરાવર્તિત કર્યું કે, તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ થવો જોઈએ. તેમણે ક્ષેત્રમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
મોદીએ નૌવહન અને વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો અને નાગરિક માળખાને નુકસાન ન પહોંચવું જોઈએ. તેમણે વાણિજ્યિક જહાજો અને સમુદ્રી કર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પણ રેખાંકિત કરી.
વડાપ્રધાને બહુપક્ષીય સંગઠનો, ખાસ કરીને બ્રિક્સ અને એસસીઓમાં ઈરાન સાથે ભારતના નજીકના સહયોગની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. તેમણે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવવાનું આમંત્રણ આપતાં કહ્યું કે, તેઓ તેમની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.
આ પહેલાં, વડાપ્રધાને એસસીઓ શિખર સંમેલનથી ઇતર આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે પણ મુલાકાત કરી. મોદીએ સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર મુલાકાતની તસવીર શેર કરતાં તેને શાનદાર મુલાકાત ગણાવી. વડાપ્રધાને કહ્યું કે, ભારત અને આર્મેનિયા વચ્ચે રક્ષા, માહિતી પ્રૌદ્યોગિકી, અંતરિક્ષ, શિક્ષણ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આવનારા સમયમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને પણ વધુ મજબૂત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ