
- રેલવે ટ્રેકની દેખરેખ માટે સીસીટીવી લગાવ્યા હતા, આઈએસઆઈને ફૂટેજ મોકલ્યા હતા
ચંદીગઢ, નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.) પંજાબમાં અમૃતસર પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સમર્થનથી સંચાલિત બે આતંકી મોડ્યુલનો ભંડાફોડ કર્યો છે. આ કાર્યવાહીમાં 4 સગીરો સહિત કુલ 9 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમના કબજામાંથી 3 ગેરકાયદેસર પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને પેટ્રોલ ભરેલી 4 બોટલો જપ્ત કરવામાં આવી છે.
પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે મંગળવારે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ વિદેશમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલરોના સંપર્કમાં હતા અને તેમના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. આ યુવાનોને આતંકી ગતિવિધિઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. તેમને સુરક્ષા સંસ્થાઓની રેકી કરવા, ગેરકાયદેસર હથિયારો એકઠા કરવા અને પંજાબમાં શાંતિ તથા કાયદો વ્યવસ્થાને પ્રભાવિત કરવા જેવા કાર્યો સોંપવામાં આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ રેલવે ટ્રેક પાસે દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ કેમેરામાંથી રેકોર્ડ કરાયેલી ફૂટેજ કથિત રીતે વિદેશી આઈએસઆઈ હેન્ડલરોને મોકલવામાં આવી રહી હતી, જેથી સંવેદનશીલ ગતિવિધિઓ પર નજર રાખી શકાય.
લગભગ એક મહિના પહેલા અમૃતસર-દિલ્હી રેલવે ટ્રેક પર એક ઓએચઈ (ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન) પોલ પર સીસીટીવી કેમેરા મળ્યો હતો. કેમેરાને વીજળી પૂરી પાડવા માટે ત્યાં સોલર પેનલ પણ લગાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને કેમેરાના સિમ સ્લોટમાંથી એક સિમ કાર્ડ મળ્યું, જે ગુરદેવના નામ પર નોંધાયેલું હતું. તેના આધારે પોલીસે ગુરદેવની ધરપકડ કરી લીધી.
અધિકારીઓનું કહેવું છે કે, અમૃતસરના મોહકમપુરા, એરપોર્ટ અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. નેટવર્કના અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ તેના આગળ અને પાછળ જોડાયેલા સંપર્કો, ફંડિંગના સ્ત્રોત અને વિદેશથી મળતી આર્થિક મદદની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, શું ધરપકડ કરાયેલા આરોપીઓ અન્ય કોઈ આતંકી ષડયંત્ર કે, ઘટનામાં પણ સામેલ રહ્યા છે. અમૃતસર કમિશનરેટ પોલીસનું કહેવું છે કે, રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ