
જામનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના કાલાવડ નાકા બહાર બુરહાનીપાર્ક વિસ્તારમાં વેપારી યુવાન સાથે બાઇક અથડામણ બાદ નુકશાનીનો ખર્ચ માંગી ઉશ્કેરાયેલા બે શખ્સોએ હુમલો કર્યો હતો અને વેપારીને ધમકી દીધી હતી, દરમ્યાનમાં મારમારીના બનાવ સ્થળે પહોચેલી ૧૧૨ જનરક્ષક ટીમ સાથે બે શખ્સોએ બબાલ કરી હતી ફરજ પરના કર્મીને ઝાપટ ઝીંકી દઇ વિડીયો ઉતારી ધમકી આપીને ફરજમાં અડચણ ઉભરી કરતા આ મામલે બે બસામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પ્લોટ નં. ૪૮ ખાતે રહેતા વેપાર કરતા બુરહાન મોઇસભાઇ મેટ્રનવાલા (ઉ.વ.૩૧) નામના યુવાન ગઇકાલે બુરહાની પાર્ક પાસેથી મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે આરોપી શોબાન તેની પાછળથી મોટરસાયકલ ભટકાયેલ જેથી આરોપી ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલવા લાગ્યો હતો, દરમ્યાન આરોપી મુસ્તુફાને બોલાવી લીધો હતો અને તે ત્યા પહોચ્યો હતો તેણે પણ ફરીયાદીને અપશબ્દો કહી ઝાપટો મારી મોઢા અને માથાના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો અને મુંઢ ઇજા પહોચાડી હતી.
ઉપરાંત ફરીયાદીને કહેલ કે ખર્ચ નહી આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી, બુરહાનભાઇ દ્વારા આ બનાવ અંગે સીટી-એ ડીવીઝનમાં કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક શેરી નં. ૬માં રહેતા શોબાત ફારૂખ મકવા અને અલસફા પાર્કમાં રહેતા મુસ્તુફા મહમદ વજુગરા નામના બે શખ્સો વિરુઘ્ધ જુદી જુદ કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
દરમ્યાનમાં જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા અને સીટી-એ ડીવીઝન હેઠળની ૧૧૨ જનરક્ષક ગાડીમાં ફરજ બજાવતા નિલેશ ગોવિંદભાઇ અઘેરા (ઉ.વ.૩૯) ગઇકાલે પોતાની જનરક્ષક ગાડીમાં કાયદેસરની ફરજ પર હતા ત્યારે બુરહાની પાર્ક પ્લોટ નં. ૪૮ પાસે તેઓને કોલ મુજબ પહોચતા મુસ્તુફા અને હાજી મોહમદ નામના બે શખ્સો ત્યાં આવી પહોચ્યા હતા દરમ્યાન હાજીએ પોતાનો મોબાઇલ કાઢી ફરીયાદી પોલીસકર્મીને તારૂ નામ શું છે બકલ નંબર કેટલા છે તેમ કહી વિડીયો ઉતારવા લાગ્યો હતો.બંને આરોપીઓએ સાથે મળી અપશબ્દો કહયા હતા અને આરોપી મુસ્તુફાએ ઉશ્કેરાઇ જઇને ફરીયાદી કર્મીને ઝાપટ મારી તને જોઇ લઇશ તેવી ધમકી દઇને કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી આથી જનરક્ષક ગાડીના કર્મચારી નિલેશભાઇ અઘેરા દ્વારા સીટી-એ ડીવીઝનમાં અલસફાપાર્કમાં રહેતા મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજી મોહમદ વજુગરાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt