મહુવાનો જીવનદોરી સમાન માલણ ડેમ બીજી વખત ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીની લાગણી
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : મહુવા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે મહુવાનો જીવનદોરી સમાન માલણ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ ફરી છલકાતા ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગ
માલણ ડેમ ફાઈલ ફોટો


ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : મહુવા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે મહુવાનો જીવનદોરી સમાન માલણ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ ફરી છલકાતા ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. હાલ ડેમ અંદાજે એક ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેમાંથી આશરે 96.48 ક્યુસેક પાણીની આવક-જાવક નોંધાઈ રહી છે.

માલણ ડેમ મહુવા પંથક માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ડેમમાં પૂરતો જળસંગ્રહ થતાં ખેડૂતોમાં આગામી રવિ અને ઉનાળુ પાક માટે પાણીની ચિંતા દૂર થઈ છે. ચોમાસાની સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થવો સમગ્ર વિસ્તાર માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

ડેમ ઓવરફ્લોની માહિતી મળતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કુદરતપ્રેમીઓ ડેમના નજારા જોવા માટે પહોંચી રહ્યા છે. વહેતા પાણીના મનમોહક દૃશ્યો લોકોને આકર્ષી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા લોકોને ડેમના ઓવરફ્લો વિસ્તારની નજીક ન જવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સમયસર અને સારો વરસાદ મળતાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ડેમમાં ભરપૂર પાણીના સંગ્રહથી સિંચાઈની સુવિધા મજબૂત બનશે અને કૃષિ ઉત્પાદન વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. માલણ ડેમ બીજી વખત ઓવરફ્લો થતાં મહુવા પંથકમાં ચોમાસાની ખુશી બમણી બની છે અને સમગ્ર વિસ્તારમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande