
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આગામી 15 ઓગસ્ટ, 2026ના રોજ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાનાર છે. આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે કાર્યક્રમની તમામ તૈયારીઓની વિભાગવાર સમીક્ષા કરી હતી. તેમણે કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, સ્વચ્છતા, વાહન પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, મેડિકલ ટીમની ઉપલબ્ધતા તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, સ્થળ પર વૃક્ષારોપણ, સરકારી કચેરીઓમાં રોશની અને રંગરોગાન સહિતની કામગીરી પણ ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં પરંતુ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી વ્યક્ત કરવાનો અવસર છે. તેથી તમામ વિભાગો પરસ્પર સંકલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરે તેમજ દરેક તૈયારી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.
આ વર્ષે ઘોઘાના રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો, ધ્વજવંદન, પરેડ તેમજ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાવાની સંભાવના છે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગોની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA