
- AI, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અદ્યતન વિષયો પર થયું મંથન
ગાંધીનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ'થી વિકાસની રાજનીતિ અને વિકાસની બહુ સરળ સમજ આપી છે. 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' એટલે આર્થિક વિકાસ સહિત સર્વાંગી વિકાસનું એવું વિઝન જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઈટ ફ્યુચર-ઉજ્જવળ ભવિષ્ય મળી રહે.
7 ઓગસ્ટ 'નેશનલ હેન્ડલૂમ ડે' અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ દેશનું શાસન સંભાળ્યાના બીજા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૫ થી આ દિવસની ઉજવણી શરૂ કરાવી છે. 'વોકલ ફોર લોકલ' નો અભિગમ અપનાવીને હાથવણાટના કારીગરો સહિત અંત્યોદયના આર્થિક-સામાજિક વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવીને નાના કારીગરોના ઉત્પાદનોને વિશ્વ બજાર પૂરું પાડ્યું છે અને વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થયું છે તે ટેકનોલોજી અને ઉદ્યોગ વચ્ચે મહત્વનો સેતુ છે. ગિફ્ટ સિટીમાં વિકસેલા બેંકિંગ અને ફાઈનાન્શિયલ ઉદ્યોગને પરિણામે અહીં આ સેક્ટરની હાઈ ક્વોલિટી સર્વિસીસ પણ મળે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની સફળતાથી ઔદ્યોગિક વિકાસ દ્વારા ગુજરાત 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' અને નવા ઉદ્યોગો તથા વિદેશી મૂડીરોકાણ માટે 'બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ' બન્યું છે.
તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ ૨૦૨૬ હેઠળ નીતિ આયોગના તાજેતરમાં જાહેર થયેલા ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોપ પર આવ્યું છે. એપ્રિલ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૭૩.૯ બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને ૨૦૧૯ થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે.રાજ્ય સરકાર ઉદ્યોગસાહસિકોને સસ્ટેનેબલ ગવર્નન્સ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે સુદ્રઢ ઈન્ડસ્ટ્રીયલ ઈકોસિસ્ટમ પૂરી પાડે છે, જેનાથી રોજગારીનું સર્જન,ઈનોવેશનને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા આયોજિત 'વિકસિત ગુજરાત સમિટ'ને રાજ્યના આર્થિક વિકાસના રોડમેપને ઇવેલ્યુએટ અને પ્રોજેક્ટનાં ઉત્કૃષ્ટ મંચ ગણાવતા સમગ્ર ઈકોનોમિક ટાઈમ્સ ટીમને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા .
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે સ્પેસ ક્ષેત્રે માત્ર ઈસરો- ISRO જ કામ કરતું હતું. જ્યારે હવે લગભગ ૫૦ જેટલા સ્ટાર્ટઅપ્સે પોતાના પ્રોટોટાઈપ રજૂ કર્યા છે.આપણા માટે આનંદની વાત છે કે તેમાંથી મોટાભાગના સ્ટાર્ટઅપ્સે વેંચર ફંડ્સ સાથે ટાઈ-અપ કરી લીધું છે અને પેટન્ટ પણ મેળવી લીધી છે.
તેમણે કહ્યું કે, જેમ આકાશની કોઈ સીમા નથી, તેમ આજે ગુજરાતમાં સ્પેસ ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, બાયોટેકનોલોજી અને AI જેવા સનરાઈઝ સેક્ટરમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. ગુજરાત હંમેશા ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ અને કેમિકલ્સમાં આગળ રહ્યું છે, પરંતુ હવે ટેકનોલોજી સહિત નવા ક્ષેત્રોમાં પણ આપણી સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.
કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, IBM તથા AMNEX ના સહયોગથી ET Government દ્વારા Building India's Future-Ready Economy થીમ પર 'વિકસિત ગુજરાત સમિટ- ૨૦૨૬' મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં ગુજરાતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે સેમિકન્ડક્ટર અને અદ્યતન ઉદ્યોગો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ સિટીઝ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ મુદ્દાઓ પર પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ