ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય-રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી, હવે રૂ. 15 કરોડ સુધી મળશે
ગાંધીનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એક સાથે આગળ વધારતી પોતાની અનોખી પરંપરાને વધુ મજબૂત બનાવતાં પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અવસરે આયોજક જિલ્લાને વિકાસ કાર્યો માટે મળત
ફાઈલ ફોટો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એક સાથે આગળ વધારતી પોતાની અનોખી પરંપરાને વધુ મજબૂત બનાવતાં પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અવસરે આયોજક જિલ્લાને વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં બમણો વધારો કર્યો છે. હવે જે જિલ્લામાં રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે; ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ રૂ. 10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે.

આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી એ વિકાસ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવી ગતિ આપનારો છે કે જેમાં પ્રજાસત્તાક દિવસ તથા સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ આયોજનોને પાટનગર સુધી મર્યાદિત રાખવાને બદલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની તથા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરની બહાર વિવિધ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરી હતી. આ જ ક્રમમાં પ્રથમ વખત 15 ઓગસ્ટ, 2003ના રોજ રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ પાટનગર ગાંધીનગરની બહાર પાટણ જિલ્લામાં યોજાયો હતો.

આ પહેલનો ઉદ્દેશ માત્ર રાષ્ટ્રીય પર્વોને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાનો જ નહોતો, પરંતુ જે જિલ્લાને રાજ્યકક્ષાના સમારોહની યજમાની કરવાની તક મળે, ત્યાં વિકાસ કાર્યોને પણ ગતિ આપવાનો હતો. સમય જતાં આ પરંપરા ગુજરાતના વહીવટી અને વિકાસ મૉડેલની એક વિશિષ્ટ ઓળખ બની ગઈ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ 06 ઓગસ્ટ, 2026ના રોજ એક ઠરાવ પસાર કરીને રાષ્ટ્રીય-રાજ્ય પર્વના આયોજક જિલ્લાના વિકાસ ગ્રાન્ટની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ જે જિલ્લામાં યોજાશે, ત્યાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને 5 કરોડ રૂપિયા આપવવામાં આવશે. અગાઉ આ રકમ 2.50 કરોડ રૂપિયા હતી. એ જ રીતે; તે જિલ્લામાં આવેલી નગરપાલિકાઓને શહેરી વિકાસ માટે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ રકમ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. જો આયોજન સ્થળ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય, તો ત્યાં મ્યુનિસિપલ કમિશનરને 5 કરોડ રૂપિયા સુધીની રકમ વિકાસ અનુદાન તરીકે આપવાવામાં આવશે.

આમ; નવી જોગવાઈ હેઠળ ત્રણેય વિકાસ ક્ષેત્રોને મળીને કુલ રૂ. 15 કરોડ સુધીની વિકાસ રકમ ઉપલબ્ધ થવાનો માર્ગ મોકળો થયો છે. એટલે કે અગાઉની સરખામણીએ દરેક બાબતમાં 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે; જે આયોજક જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તાર ન આવતો હોય, ત્યાં વિકાસ ગ્રાન્ટ રૂ. 10 કરોડ જ આપવામાં આવશે. દાખલા તરીકે; આ વર્ષે 15 ઓગસ્ટ, 2026ના રોજ અમરેલીમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ યોજાશે, પરંતુ ત્યાં મહાનગરપાલિકા ન હોવાથી જિલ્લાને રૂ. 15 કરોડ નહીં, પણ ગ્રામ્ય વિસ્તારો માટે રૂ. 5 કરોડ રૂપિયા અને જિલ્લામાં આવેલા નગરપાલિકા વિસ્તારો માટે રૂ. 5 કરોડ એટલે કે કુલ રૂ. 10 કરોડ વિકાસ ગ્રાન્ટ તરીકે મળશે.

ગુજરાત સરકારનો આ નિર્ણય રાષ્ટ્રીય પર્વોને માત્ર ઔપચારિક સમારોહ ન બનાવીને તેમને સ્થાનિક વિકાસ અને જનભાગીદારીની તકો તરીકે સ્થાપિત કરે છે. જે જિલ્લામાં રાજ્યકક્ષાનું આયોજન થાય છે, ત્યાં પર્વની ગરિમા સાથે વિકાસ કાર્યોને પણ નવી ગતિ મળે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વિકાસ વિજનને આગળ વધારે છે કે જેમાં રાષ્ટ્રભક્તિ, જનભાગીદારી અને વિકાસ; ત્રણેયને સાથે લઈને ગુજરાતને આગળ વધારવાનો સંકલ્પ સમાવિષ્ટ છે. રાષ્ટ્રીય પર્વો હવે પાટનગરની બહાર પણ ગર્વ, ગૌરવ અને વિકાસની નવી કહાની લખવાનું માધ્યમ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande