
પોરબંદર, 08 ઓગસ્ટ (હિ.સ.)“ મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કુતિયાણા ખાતે બીઆરસી ભવનમાં કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ જાતીય સતામણી અંગેની ફરિયાદો માટેના SHe-Box પોર્ટલ અંગે પણ વિસ્તૃત માહિતી આપી તેની કામગીરી અને ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણી, કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રામ આહિર, પીએસઆઈ એ.સી. નિમાવત, બીઆરસી ભવનના પ્રતિનિધિઓ, વિવિધ શાળાઓના શિક્ષકો, સીડીપીઓ, મુખ્ય સેવિકા બહેનો, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, નારી અદાલતનો સ્ટાફ તેમજ બીઆરસી ભવનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કામકાજના સ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ મળી રહે તે માટે POSH અધિનિયમની જોગવાઈઓ અંગે જાગૃતિ લાવવાનો તેમજ મહિલાઓને તેમના અધિકારો અને ફરિયાદ નિવારણની પ્રક્રિયાથી માહિતગાર કરવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya