
ભાવનગર, 08 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ–૨૦૨૬ના ભાગરૂપે ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શામપરા સ્થિત આઇટેક પ્લાસ્ટા કંપની ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી નિવારણ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ–૨૦૧૩ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન નારી વંદન ઉત્સવના હેતુ અને મહિલા કર્મયોગી દિવસના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કામકાજના સ્થળે મહિલાઓને સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણ મળે તે દરેક સંસ્થાની કાનૂની તેમજ નૈતિક જવાબદારી હોવાનું જણાવાયું હતું. જાતીય સતામણી નિવારણ અધિનિયમ–૨૦૧૩ તથા ઘરેલું હિંસા સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાતના સમયે પોતાના અધિકારો અંગે જાગૃત રહી કાનૂની સહાય મેળવવા પણ અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમનના ફાઇનાન્શિયલ લિટરેસી સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના, વહાલી દીકરી યોજના સહિત મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ ગુજરાત આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી કૌશલ્ય તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આઇટેક પ્લાસ્ટા કંપનીના એચ.આર. મેનેજર, પ્રોડક્શન મેનેજર, જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમનના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કંપનીની મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA