CCTVના આધારે હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો, વિદ્યાર્થિનીના મોત મામલે ટેમ્પો ચાલક ઝડપાયો
સુરત, 08 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના ખટોદરા વિસ્તારમાં 5 ઓગસ્ટે બનેલા ગંભીર અકસ્માતમાં સાયકોલોજીની વિદ્યાર્થિની સ્નેહા ઘોરીનું મોત થયું હતું. કોલેજ જવા મોપેડ પર નીકળેલી સ્નેહાને નાળિયેર ભરેલા ટેમ્પોએ ટક્કર માર્યા બાદ તે રસ્તા પર પટકાઈ હતી અને ટેમ્પાનું
Arrest


સુરત, 08 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના ખટોદરા વિસ્તારમાં 5 ઓગસ્ટે બનેલા ગંભીર અકસ્માતમાં સાયકોલોજીની વિદ્યાર્થિની સ્નેહા ઘોરીનું મોત થયું હતું. કોલેજ જવા મોપેડ પર નીકળેલી સ્નેહાને નાળિયેર ભરેલા ટેમ્પોએ ટક્કર માર્યા બાદ તે રસ્તા પર પટકાઈ હતી અને ટેમ્પાનું પાછળનું ટાયર તેના માથા પરથી પસાર થઈ ગયું હતું. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા ખટોદરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે ઘટનાનો પતો મેળવવા આસપાસના વિસ્તારોના આશરે 25 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ટેમ્પાની હિલચાલ અને અન્ય પુરાવાના આધારે પોલીસે રામવિલાસ રાઠોડ નામના ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે તે ટેમ્પોમાં નાળિયેરનો જથ્થો લઈ પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યો હતો. અકસ્માત બાદ લોકોના મારના ભયથી તે વાહન સાથે ત્યાંથી નાસી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી છેલ્લા દસ વર્ષથી ડ્રાઇવિંગ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્નેહા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી અને ભવિષ્યમાં મનોચિકિત્સક બનવાનું સપનું ધરાવતી હતી. પરિવાર તેને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવાની તૈયારીમાં હતો, પરંતુ અકસ્માતે તેના તમામ સપનાઓ અધૂરા રહી ગયા. ગંભીર આંતરિક ઇજાઓ અને શરીરના મહત્વના અંગોને નુકસાન થતાં તેનું મોત થયું હતું. દીકરીના મૃત્યુના આઘાત વચ્ચે પરિવારે માનવતાભર્યો નિર્ણય લઈ તેના ચક્ષુઓનું દાન કર્યું છે. ખટોદરા પોલીસે ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande