

સુરત, 08 ઓગસ્ટ (હિ.સ.) સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં પ્રાથમિક શિક્ષણની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત અંદાજિત રૂ.29.75 કરોડના ખર્ચે સાકાર કરવામાં આવેલા અને થનારા પ્રાથમિક શાળાના ભવનોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ડિજિટલ તકતી અનાવરણનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો.
ઉધના ખાતે શાળા ક્રમાંક 210/142, હરિનગર-03, બી.આર.સી. ગેટની સામે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે 9 નવનિર્મિત શાળા ભવનોનું લોકાર્પણ, એક ભવનનું ખાતમુહૂર્ત તેમજ ડિજિટલ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્યોમાં ઉધના-એ ઝોનની શાળા ક્રમાંક 197/198, 210/142 અને 204/205, ઉધના-બી ઝોનની શાળા ક્રમાંક 374 , રાંદેર ઝોનની શાળા ક્રમાંક 398 અને 163, સેન્ટ્રલ ઝોનની શાળા ક્રમાંક 41, કતારગામ ઝોનની શાળા ક્રમાંક 172, લિંબાયત ઝોનની શાળા ક્રમાંક 364તથા નવો પૂર્વ-સરથાણા ઝોનની શાળા ક્રમાંક 355 સહિતની પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.
નવનિર્મિત શાળા ભવનોમાં કુલ 161 ઓરડાઓનું નિર્માણ થવાથી અંદાજે 5000 વિદ્યાર્થીઓને વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક વ્યવસ્થાનો લાભ મળશે. આ શાળાઓમાં ગુજરાતી, મરાઠી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ રહેશે.
નવા ભવનોના નિર્માણથી વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક વાતાવરણ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ સુરક્ષિત અને સુવિધાસભર માળખું ઉપલબ્ધ બનશે. શાળા માળખાકીય સુવિધાઓના આ વિકાસથી સુરત શહેરમાં પ્રાથમિક શિક્ષણને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
કાર્યક્રમમાં સુરતના મેયર માયા માવાણી, ધારાસભ્ય મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતા અલ્પા મહેતા, દંડક ઉર્મિલા ત્રિપાઠી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયા, ઉપાધ્યક્ષ રંજના ગોસ્વામી સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષો-સદસ્યો, નગરસેવકો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે