
ભાવનગર, 08 ઓગસ્ટ (હિ.સ.)સિહોર શહેરના અર્બન મહાગૌતમેશ્વર વિસ્તારમાં મમતા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન દરમિયાન તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઈઝરશ્રી દ્વારા સ્થળ મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મમતા સેશનમાં ઉપસ્થિત આરોગ્યકર્મીઓ દ્વારા વિસ્તારના લાભાર્થીઓને જરૂરી આરોગ્ય સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન વાહકજન્ય રોગોના નિયંત્રણને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં લોકોને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિ કરવામાં આવી હતી. લોકોને ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવા, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા તથા નિયમિત સફાઈ જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એન્ટી લાર્વલ કામગીરી પણ કરવામાં આવી હતી. મચ્છરના પોરા ઉત્પન્ન થઈ શકે તેવા સ્થળોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ પીવાના પાણીની ગુણવત્તા અને શુદ્ધતા અંગે ક્લોરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
મમતા સેશન દરમિયાન ટીમ દ્વારા લાભાર્થીઓને સરકારની આરોગ્યલક્ષી સેવાઓ સાથે જોડવા માટે PMJAY કાર્ડના એનરોલમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. લાભાર્થીઓને PMJAY કાર્ડના મહત્વ અંગે માહિતી આપી પાત્ર લાભાર્થીઓના કાર્ડ બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને આરોગ્ય અંગે જાગૃત રહેવા અને સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA