
મહેસાણા, 08 ઓગસ્ટ (હિ.સ.) : ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 22927/22928 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ લોક શક્તિ એક્સપ્રેસને વડનગર સુધી લંબાવવાનો પ્રસ્તાવ પશ્ચિમ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવને PCOMની મંજૂરી મળી હોવાનું જણાવાયું છે અને હવે અંતિમ મંજૂરી માટે રેલવે બોર્ડ સમક્ષ મોકલવામાં આવ્યો છે.
પ્રસ્તાવ મંજૂર થાય તો લોક શક્તિ એક્સપ્રેસ અમદાવાદ બાદ મહેસાણા થઈ વડનગર સુધી દોડશે. ખાસ કરીને મહેસાણા સ્ટેશન પર કોમર્શિયલ સ્ટોપેજ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત સમયપત્રક મુજબ મુંબઈથી ટ્રેન રાત્રે 7:40 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 6:40 કલાકે વડનગર પહોંચશે, જ્યારે વડનગરથી સાંજે 6:20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 5:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
વડનગર સુધી વિસ્તરણ બાદ ટ્રેનનું અંતર આશરે 480 કિમીથી વધીને 582 કિમી થશે અને મુસાફરીનો સમય આશરે 11 કલાક રહેશે.
ઉત્તર ગુજરાતમાં રેલવે સેવાઓ વધારવા માટે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમણે આ પ્રસ્તાવ બદલ રેલવે મંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
હાલ પ્રસ્તાવ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. મંજૂરી મળ્યા બાદ મહેસાણા, વડનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને મુંબઈ સાથે વધુ સુવિધાજનક રેલવે કનેક્ટિવિટી મળવાની આશા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR