E20 પેટ્રોલના વિરોધમાં સુરતમાં 'આપ'નો કાર્યક્રમ, હોલની મંજૂરી રદ થતાં બહાર જ સભા યોજાઈ
સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.) : E20 પેટ્રોલના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારા કાર્યક્રમની મંજૂરી રાત્રે અચાનક રદ થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. AAPના જણાવ્યા મુજબ કાર્યક્રમ માટે હોલમાં ખુરશીઓ અને બેનરો સહિતની તૈયારીઓ
Surat


સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.) : E20 પેટ્રોલના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારા કાર્યક્રમની મંજૂરી રાત્રે અચાનક રદ થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. AAPના જણાવ્યા મુજબ કાર્યક્રમ માટે હોલમાં ખુરશીઓ અને બેનરો સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ રાત્રે આશરે 2 વાગ્યે પરમિશન રદ કરવામાં આવી હતી. હોલ બંધ કરી દેવામાં આવ્યા બાદ પાર્ટીના નેતાઓએ કાર્યક્રમ રદ કરવાને બદલે બહાર જ સભા યોજી હતી અને સમગ્ર મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ E20 ઈંધણને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે E20 ઈંધણના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને સરકાર સામાન્ય લોકો પર આ ઈંધણ થોપી રહી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા E20 સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે મંજૂરી રદ થવા છતાં પાર્ટી પોતાના કાર્યક્રમથી પીછેહઠ કરશે નહીં.

ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ E20 માટે તૈયાર ન કરાયેલા વાહનોમાં આ ઈંધણના ઉપયોગ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પેટ્રોલ પંપ પર E20 અને શુદ્ધ પેટ્રોલ માટે અલગ વ્યવસ્થા કરવાની માગ કરી હતી. બીજી તરફ મનોજ સોરઠીયાએ સરકારની નીતિઓને લઈને સવાલો ઉઠાવી તેને કંપનીઓને ફાયદો કરાવતી નીતિ ગણાવી હતી. હોલ ન મળતાં AAP નેતાઓએ બહારથી જ સભા અને લાઈવ કાર્યક્રમ દ્વારા E20 મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande