
પાટણ, 09 ઓગસ્ટ (હિ.સ.) : પાટણના માંડોત્રી ગામની સીમમાં જમીનનો કબજો ખાલી કરાવવા ખેડૂત અંકિતકુમાર પટેલને રિવોલ્વર બતાવી ધમકી આપી ઝેરી પ્રવાહી પીવડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બનાવ અંગે રણુંજ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
8 જુલાઈ, 2026ના રોજ અંકિતકુમાર પટેલ ખેતરમાં હાજર હતા ત્યારે નાયતા ગામના વિષ્ણુજી જોગાજી ઠાકોર સહિત બે શખ્સો ખેતરમાં ઘૂસી આવ્યા હતા. વિષ્ણુજીએ છાતી પર રિવોલ્વર મૂકી જમીન છોડી દેવાની ધમકી આપી ઝેરી દવા પીવડાવી હતી.
પોલીસ તપાસમાં ઊંઝાના બ્રાહ્મણવાડાના પ્રતિકકુમાર પટેલે જમીન પચાવી પાડવા વિષ્ણુજીને સોપારી આપી કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બનાવટી દસ્તાવેજો બનાવવામાં પાટણના અમિતભાઈ પટેલની સંડોવણી હોવાની પણ ફરિયાદમાં વિગતો છે.
ઝેરી પ્રવાહી પીવડાવ્યા બાદ અંકિતકુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 15 દિવસની સારવાર બાદ તેમનો બચાવ થયો હતો. રણુંજ પોલીસે BNS, GP એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ