ભાવનગર જિલ્લામાં અનાજના કાળા કારોબારનો, પર્દાફાશ, ₹21 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જાગૃત નાગરિક દ્વારા ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરવામાં આવતો હોવાની પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવ્યા બાદ મહુવા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સ
ઝડપાયેલ અનાજનો જથ્થો


ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જાગૃત નાગરિક દ્વારા ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરવામાં આવતો હોવાની પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવ્યા બાદ મહુવા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન નેશનલ હાઈવે નજીક ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે ₹20.99 લાખની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારી વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતું અનાજ ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યું હોવાની આશંકા છે. દરોડા દરમિયાન કુલ 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1,350 કિલો તુવેરદાળનો જથ્થો મળી આવ્યો હતો.

મામલતદારની ટીમે સમગ્ર જથ્થો કબજે કરી ગોડાઉનને સીલ કરી દીધું હતું. પ્રાથમિક વિગતો મુજબ અફઝલભાઈ નામના વ્યક્તિએ આ ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યાં મોટી માત્રામાં અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે સરકારી અનાજની હેરાફેરી અને ગેરકાયદેસર સંગ્રહ અંગે અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને પુરવઠા વિભાગને આટલા મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ હોવાની જાણ કેમ ન થઈ તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, સંગ્રહખોરો અને પુરવઠા તંત્ર વચ્ચે મિલીભગત હોવાની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande