બોટાદની રાજાશાહી સમયની ઐતિહાસિક કોર્ટ, બિલ્ડિંગ જર્જરીત હાલતમાં, જાળવણીના અભાવે ધરોહર ખંડેર બનવા આરે
બોટાદ, 09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ શહેરના મધ્યમાં આવેલી રાજાશાહી સમયની જૂની કોર્ટ બિલ્ડિંગ, આજે જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે. એક સમયે કોર્ટ, મામલતદાર કચેરી સહિતની અનેક સરકારી કચેરીઓ અહીં કાર્યરત હતી અને આ ઇમારત શહેરના વહીવટી તંત્રનું મહત્વ
જર્જરી હાલતમાં રહેલ જૂનું કોર્ટ બિલ્ડીંગ


બોટાદ, 09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ શહેરના મધ્યમાં આવેલી રાજાશાહી સમયની જૂની કોર્ટ બિલ્ડિંગ, આજે જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે. એક સમયે કોર્ટ, મામલતદાર કચેરી સહિતની અનેક સરકારી કચેરીઓ અહીં કાર્યરત હતી અને આ ઇમારત શહેરના વહીવટી તંત્રનું મહત્વનું કેન્દ્ર ગણાતી હતી.

સમય જતાં નવી સરકારી કચેરીઓ માટે આધુનિક મકાનો તૈયાર કરવામાં આવ્યા બાદ, જૂની કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત તમામ કચેરીઓ અન્ય સ્થળોએ ખસેડવામાં આવી હતી. ત્યારથી આ ઐતિહાસિક ઇમારત લગભગ બિનઉપયોગી બની રહી છે. લાંબા સમયથી યોગ્ય જાળવણી અને મરામતના અભાવે તેની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે.

ઇમારતની દિવાલો સહિતના વિવિધ ભાગોમાં જર્જરીત સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક પ્લાસ્ટર ઊખડી ગયું છે તો ક્યાંક ઇમારતના અન્ય ભાગો પણ નબળા બની રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટે ઇમારત બહાર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.

બોટાદની ઐતિહાસિક ધરોહર સમાન આ ઇમારત માત્ર એક જૂનું સરકારી મકાન નહીં, પરંતુ શહેરના વહીવટી ઇતિહાસ સાથે જોડાયેલી યાદગાર વિરાસત છે. નાગરિકોમાં એવી લાગણી છે કે, ઇમારતને તોડી પાડવાને બદલે તેની ઐતિહાસિક ઓળખ જાળવીને યોગ્ય રીતે રિનોવેશન અને સંરક્ષણ કરવામાં આવે. તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો, બોટાદની આ જૂની ધરોહરને નવી ઓળખ મળી શકે તેમ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande