
અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : રાજુલા ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણજરીયાના માર્ગદર્શન હેઠળ જી.એસ.સી.એલ. ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલી શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન હિંમતભાઈ બલધારિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણજરીયા, જી.એસ.સી.એલ.ના સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા, સિનિયર મેનેજર રવિભાઈ સોલંકી, પ્રોજેક્ટ મેનેજર હર્ષિકભાઈ કાલાવતર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં મહિલાઓને તેમના અધિકારો, મહિલા જાગૃતિ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમ તથા દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નારી સશક્તિકરણ અને મહિલાઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે યોજાયેલી આ શિબિર મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જાગૃત કરવા તેમજ તેમના અધિકારો અંગે માહિતગાર કરવામાં મહત્વપૂર્ણ બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai