
સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ARENQ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીઝના અધિકૃત ગુજરાત સ્ટોકિસ્ટ તરીકે ‘ઇકો સ્પાર્ક ગ્રીન એનર્જી સોલ્યુશન’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રિબન કાપીને સંસ્થાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત શહેરના અગ્રણીઓ, વેપારીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે સી. આર. પાટીલે સંસ્થાના સંચાલકો દેવાંગભાઈ ચૌધરી અને રાજેન્દ્રભાઈ ચૌધરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગ્રીન એનર્જી ક્ષેત્રે સુરતમાં શરૂ કરવામાં આવેલી આ પહેલને આવકારતાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ક્લીન અને ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવો સમયની જરૂરિયાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી આધારિત લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીઝનો ઉપયોગ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રને વધુ વેગ આપી શકે છે.
ઇકો સ્પાર્ક ગ્રીન એનર્જી સોલ્યુશન દ્વારા ગ્રીન અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપતી આધુનિક બેટરી ટેકનોલોજી ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાના સફળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે