ગીરગઢડા તાલુકાની કાણકિયા પે-સેન્ટરશાળાના પાંચ વર્ગખંડનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સગવડતાસભર ભૌતિક સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષણ મળી રહે એવા હેતુસર શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કાણકિયા પે-સેન્ટરશાળાના અંદાજીત રૂ.૯૦ લા
ગીરગઢડા તાલુકાની કાણકિયા પે-સેન્ટરશાળાના


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સગવડતાસભર ભૌતિક સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષણ મળી રહે એવા હેતુસર શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કાણકિયા પે-સેન્ટરશાળાના અંદાજીત રૂ.૯૦ લાખના ખર્ચે તૈયાર થનાર પાંચ વર્ગખંડના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

શિક્ષણમંત્રી એ આ અવસરે જણાવ્યું હતું કે, શાળા એ બાળકના સપનાને આકાર આપતું મંદિર છે અને શિક્ષકો બાળકના જીવન ઘડતરના શિલ્પી છે. શાળા એ માત્ર ચાર દિવાલ નહી પરંતુ સંસ્કાર અને સેવાનું સિંચન કરતા શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સપનાનું ઘડતર કરતું મંદિર છે.

વર્ગખંડોના ઓરડાઓનું આ માત્ર ભૂમિપૂજન નહી પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણની મજબૂત ઈંટ મૂકવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે. શિક્ષણ એ વિકાસનો સૌથી મજબૂત પાયો છે. આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરવામાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આધુનિક સુવિધાઓ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચે એ દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ થકી અભ્યાસ સાથે આવડત અને ગોખણપટ્ટીના બદલે વ્યવહારુ જ્ઞાનને મહત્વ આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરાયો છે. બાળકોમાં છૂપાયેલી શક્તિને ઓળખી અને ઘડતર કરવામાં શિક્ષક સાથે વાલીઓએ પણ યોગદાન આપવું જોઈએ. એમ કહી શિક્ષણમંત્રીએ દીકરીઓના અભ્યાસ પર વધુ ભાર આપવા સમસ્ત ગ્રામજનોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ તકે, શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ગખંડ નિર્માણ માટે ભૂદાન કરનાર કાણકિયાના દાતા ગંગાબહેન ઉકાભાઈ જાદવ અને પરિવારનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કાણકિયા પે-સેન્ટરશાળાના વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે ૦૫ ઓરડાઓ તથા કુમાર અને કન્યા ટોઈલેટ બ્લોક, દિવ્યાંગ ટોઈલેટ બ્લોક, શાળાની ફરતે કમ્પાઉન્ડ દિવાલ અને અન્ય રિનોવેશન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચ, સ્થાનિક અગ્રણીઓ-આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande