માણાર ગામની સોલિડ વેસ્ટ અને TSDF સાઇટ મામલે ગ્રામ પંચાયતની રજૂઆત
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)તળાજા તાલુકાના માણાર ગામમાં આવેલી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા TSDF સાઇટને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે પર્યાવરણ, જાહેર આરોગ્ય અને સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં
ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી


ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)તળાજા તાલુકાના માણાર ગામમાં આવેલી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા TSDF સાઇટને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતે પર્યાવરણ, જાહેર આરોગ્ય અને સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં રાખીને સાઇટની કામગીરી અંગે તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સંબંધિત વિભાગોને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, માણાર ગામની આસપાસ આવેલી સોલિડ વેસ્ટ સાઇટ તથા GEPIL સાથે સંકળાયેલી કામગીરીને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

સાઇટની કામગીરી દરમિયાન હવા, જમીન અને પાણીના પ્રદૂષણને અટકાવવા માટે પર્યાવરણના તમામ નિયમો અને ધોરણોનું કડક પાલન થાય તે જરૂરી હોવાનું ગ્રામ પંચાયતે જણાવ્યું છે.

રજૂઆતમાં સાઇટની કામગીરીને કારણે સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય તે માટે સ્થળ પર અધિકારીઓ દ્વારા રૂબરૂ તપાસ, ટેકનિકલ તપાસ તથા પર્યાવરણીય માપદંડોની ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતે સાઇટનું નિયમિત નિરીક્ષણ કરવા તેમજ પર્યાવરણ સંબંધિત કાયદા કે, નિયમોનું ઉલ્લંઘન જણાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જરૂર જણાય તો કામગીરી પર નિયંત્રણ અથવા પ્રતિબંધાત્મક પગલાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત NGT તથા TSDF સાઇટ સંબંધિત પર્યાવરણીય મુદ્દાઓની યોગ્ય તપાસ કરી નિષ્ણાતોની કમિટી મારફતે સ્થળની કામગીરી અને તેની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરાવવા માંગ કરાઈ છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ, ગ્રામજનોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande