જામનગરમાં 13 લાખના વ્યાજ સામે, 22 લાખ ચૂકવ્યા છતાં કોરા ચેક અને બાઈક પડાવી ઉઘરાણી
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં નબળી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ બે શખ્સો પાસેથી રૂ.13 લાખ જેટલી રકમ માસિક 20 ટકા વ્યાજે લીધા બાદ રૂ.22 લાખ જેટલી રકમ ચૂકવી હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકી આપવાના બનાવમાં, પોલીસે બે શખ્સો સામે ગ
વ્યાજખોર


જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરમાં નબળી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ બે શખ્સો પાસેથી રૂ.13 લાખ જેટલી રકમ માસિક 20 ટકા વ્યાજે લીધા બાદ રૂ.22 લાખ જેટલી રકમ ચૂકવી હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકી આપવાના બનાવમાં, પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વ્યાજખોરોની ધમકીથી કંટાળેલા યુવાને ફિનાઇલ પી લેતાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

કાલાવડ નાકા બહાર એસ.ટી. ડિવિઝન પાસે ગ્રીન પાર્ક શેરી નં.1માં રહેતા અને મજૂરી કામ કરતા અમન યુનુશભાઈ મલેકે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2025માં ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પૈસાની જરૂર પડતાં તેના મિત્ર અનીશ યુસુફભાઈ મીનાણી તથા તેના ભાઈ તોફીક યુસુફભાઈ મીનાણી પાસેથી અલગ-અલગ સમયે કટકે-કટકે રૂ.13 લાખ જેટલી રકમ માસિક 20 ટકા વ્યાજે લીધી હતી.

ફરિયાદ મુજબ, અત્યાર સુધીમાં અમને બંને આરોપીઓને ગુગલ પે તથા રોકડ મારફતે અંદાજે રૂ.22 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. તેમ છતાં બંને શખ્સો વધુ વ્યાજ તથા મુદ્દલની ઉઘરાણી કરતા હતા. આશરે એક મહિના પહેલાં બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવી વ્યાજના પૈસા નહીં આપે તો બંને પગ કાઢી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી અને ફરિયાદી પાસેથી આઈ.ડી.એફ.સી. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકના તેની સહીવાળા કોરા ચેક બળજબરીથી લઈ ગયા હતા.

આ ઉપરાંત આશરે પંદર દિવસ પહેલાં ફરિયાદીની એક્સેસ મોટરસાઇકલ, જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે-10-ડીક્યુ-1230 છે, તે પણ બંને શખ્સો બળજબરીથી લઈ ગયા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

દરમિયાન તા.1 ઓગસ્ટના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અનીશનો ફોન આવ્યો હતો અને બે દિવસથી ફોન કરતો હોવાનું કહી વ્યાજના પૈસા નહીં આપે તો મકાન વેચી નાખવા તેમજ પૈસા નહીં આપે તો રાત્રે ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી હતી. આથી માનસિક રીતે વ્યથિત થયેલા અમને ઘરે બાથરૂમમાં જઈ ફિનાઇલ પી લીધી હતી. ઉલટી થતાં પરિવારજનોને જાણ થઈ હતી અને 108 મારફતે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સારવાર બાદ રજા મળતાં અમને માતા-પિતા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અનીશ યુસુફભાઈ મીનાણી અને તોફીક યુસુફભાઈ મીનાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 352, 351(2), 54 તથા મનીલેન્ડર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande