આડેસર ચેકપોસ્ટ પર પોલીસનો મોટો સપાટો: 23 ઘેટાંને ઠાંસીને લઈ જતું પીકઅપ ઝડપાયું, એક ઝડપાયો
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર અને તેમની સાથે થતી, ક્રૂરતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આડેસર પોલીસને મોટી સફળતા મળી છે. આડેસર ચેકપોસ્ટ પરથી પોલીસે 23 ઘેટાં ભરેલું મહીન્દ્રા બોલેર
આડેસર ચેકપોસ્ટ પર પકડાયેલ વાહન અને આરોપી


આડેસર ચેકપોસ્ટ પર પકડાયેલ વાહન અને આરોપી


કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર અને તેમની સાથે થતી, ક્રૂરતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

આ અંતર્ગત આડેસર પોલીસને મોટી સફળતા મળી છે. આડેસર ચેકપોસ્ટ પરથી પોલીસે 23 ઘેટાં ભરેલું મહીન્દ્રા બોલેરો પીકઅપ વાહન ઝડપી પાડ્યું હતું. પશુઓને કોઈપણ જરૂરી સુવિધા વિના વાહનમાં ખીચોખીચ ભરીને લઈ જવાતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે વાહન સહિત કુલ રૂ. 2.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યની ટીમ દ્વારા, ચેકપોસ્ટ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે શંકાસ્પદ વાહન પર નજર રાખવામાં આવી હતી.

બાતમીના આધારે, મહીન્દ્રા બોલેરો પીકઅપ નંબર GJ-24-X-6244ને રોકી પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનની અંદર 23 ઘેટાંને અત્યંત ગીચ રીતે ભરવામાં આવ્યા હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘેટાંને પરિવહન દરમિયાન જરૂરી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. ઉપરાંત પશુઓના પરિવહન અંગેના જરૂરી પાસ-પરમિટ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. આ સ્થિતિને પગલે, પોલીસે પશુઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હોવાનું માની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તમામ 23 ઘેટાંને વાહનમાંથી સલામત રીતે બહાર કાઢી મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ પશુઓની સંભાળ અને સુરક્ષા માટે તેમને શ્રી જીવદયા મંડળ, રાપર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસે લક્ષ્મણ મેરાભાઈ ભરવાડની ધરપકડ કરી છે. જ્યારે સણવા ગામના જગા દેવશી ભરવાડ સહિત અન્ય બે શખ્સો હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સામે પશુ ક્રૂરતા નિવારણ સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ઘેટાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande