
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : મોરબી તરફ જતા માર્ગ પર માળીયા ત્રણ રસ્તા નજીક બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી પસાર થતી એક ટ્રકમાંથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે. ટ્રકમાં સફેદ પાવડરની બોરીઓની આડમાં દારૂની બોટલો છુપાવીને લઈ જવાતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ-2, બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 4,092 બોટલો મળી આવી હતી. દારૂ સહિત ટ્રક અને અન્ય સામાન મળીને પોલીસે કુલ રૂ.19.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાએ શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે, અસરકારક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચનાઓ આપી હતી. આ સૂચનાના પગલે ક્રાઇમ-2 બોર્ડર રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ ટીમ વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી.
આ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફના બ્રિજ નજીક સર્વિસ રોડ પર ઉભેલી RJ-52-GA-2464 નંબરની ટ્રકને શંકાના આધારે તપાસી હતી. ટ્રકની અંદર પ્લાસ્ટિકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલો હોવાનું પ્રથમ નજરે જણાયું હતું. જોકે, બોરીઓ હટાવીને નીચે તપાસ કરતાં તેની નીચે છુપાવવામાં આવેલી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી આવી હતી.
પોલીસે ગણતરી કરતાં કુલ 4,092 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.9.37 લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રકની કિંમત આશરે રૂ.10 લાખ અને સફેદ પાવડર ભરેલી બોરીઓનું વજન આશરે 30 ટન હોવાનું જણાવાયું છે, જેની કિંમત રૂ.15 હજાર આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.19,52,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ટ્રકના ચાલક સામે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ચાલકની ઓળખ તથા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. વાઘેલા તેમજ ASI રસિકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar